ગ્રીન કવર વધારવાની ગુલબાંગ વચ્ચે અમદાવાદમાં ૪૦ લાખની સામે હજુ સુધી ૧૦ લાખ રોપાં રોપી શકાયા
વૃક્ષ ગણતરીની કામગીરી પણ મંથરગતિએ હજુ સુધી પાંચ લાખ વૃક્ષની ગણતરી કરાઈ
અમદાવાદ,સોમવાર,14 જુલાઈ,2025
અમદાવાદમાં આ વર્ષે ચાલીસ લાખ રોપાં રોપવા રુપિયા ૬૯ કરોડનો
ખર્ચ થવાનો છે. ગ્રીન કવર વધારવાની
ગુલબાંગ વચ્ચે ૪૦ લાખની સામે હજુ સુધી માત્ર ૧૦.૮૪ લાખ રોપાં રોપી શકાય છે. છ
મહીના અગાઉ શહેરમાં વૃક્ષ ગણતરીની કામગીરી શરુ કરાઈ હતી.મંથરગતિથી ચાલતી આ
કામગીરીમાં હજુ સુધી માત્ર પાંચ લાખ વૃક્ષોની ગણતરી પુરી કરાઈ છે.
શહેરમાં પાંચ જુનથી વિવિધ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ
કોર્પોરેશનના પ્લોટ, રોડ
વચ્ચે આવેલી સેન્ટ્રલ વર્જ સહીત અન્ય જગ્યાએ રોપા રોપવાની કામગીરી શરુ કરાઈ છે.
રીક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ, હજુ સુધી ૧૦.૮૪ લાખ રોપા રોપાયા છે. રોપા રોપવા કઈ એજન્સીને
કેટલા પ્લોટ ઉપર કેટલુ પ્લાન્ટેશન કરવાનુ છે તે અંગે વિગત મંગાવી છે. વર્ષ-૨૦૧૧
પછી અમદાવાદમાં છ મહીના પહેલા વૃક્ષ ગણતરી કરવાની કામગીરી મુંબઈ સ્થિત સાર
ટેકનોલોજી નામની એજન્સીને અપાઈ હતી. પ્રતિ વૃક્ષ રુપિયા આઠ ચૂકવવાની શરત સાથે શરૃ
કામગીરી શરુ કરાઈ હતી. એક વર્ષમાં કામગીરી પુરી કરવાની હોવાછતાં એજન્સી તરફથી હજુ
સુધી પાંચ લાખ વૃક્ષોની ગણતરી કરાઈ છે. આ કારણથી એજન્સીના કર્તાહર્તાઓને ધીમી ગતિથી ચાલી રહેલી કામગીરીને લઈ અમદાવાદ
બોલાવાયા છે.