Gujarat

મિશન ફોર મિલીયન ઝૂંબેશ વિવાદમાં ૧૩૫ કરોડના ખર્ચ છતાં વિજિલન્સ તપાસ સોંપવા મુદ્દે શાસકો અવઢવમાં

By GS TEAM
16 Dec 20252 mins read
મિશન ફોર મિલીયન ઝૂંબેશ વિવાદમાં  ૧૩૫ કરોડના ખર્ચ છતાં વિજિલન્સ તપાસ સોંપવા મુદ્દે શાસકો અવઢવમાં

અમદાવાદ,સોમવાર,15 ડિસેમ્બર,2025

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મિશન ફોર મિલીયન ઝૂંબેશ અંતર્ગત ૪૦ લાખ રોપાં-વૃક્ષ ઉછેરવાની ઝૂંબેશ વિવાદમાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટીએ ૨૯ લાખ રોપાં-વૃક્ષના મેઈન્ટેનન્સ માટે રુપિયા ૩૦ કરોડનુ અલગથી કરાયેલુ ટેન્ડર રદ કર્યા પછી વિવાદ વધુ વકર્યો છે.એક તરફ મ્યુનિસિપલ કમિશનર રુપિયા ૬૯ કરોડથી કરવામા આવેલ વધુ ખર્ચ મંજૂર કરવાના મૂડમાં નથી. રુપિયા ૧૩૫ કરોડ સુધી ખર્ચ પહોંચી ગયો હોવા છતાં  ભાજપ વિજિલન્સ તપાસ થાય અને કોર્પોરેશનની ચૂંટણી પહેલા પક્ષની પ્રતિષ્ઠા ના ખરડાય તેમ ઈચ્છે છે.

મિશન ફોર મિલિયન ઝૂંબેશનો વિવાદમાં રોપાં-વૃક્ષ વાવવા માટે કવોલીફાય થાય એજન્સીઓને ૨૦ લાખ રોપાં કે વૃક્ષ વાવવા  રુપિયા ૬૪ કરોડના ખર્ચથી કામગીરી અપાઈ હતી.બાકીના ૨૦ લાખ રોપાં કે વૃક્ષ કોર્પોરેશન કે વન વિભાગની નર્સરીમાં લાવીને વાવવાના હતા.બન્યુ એવુ કે જે ચાર એજન્સીઓને ૨૦ લાખ રોપા રોપવાની કામગીરી સોંપવામા આવી હતી.તેમણે ૨૦ લાખના બદલે ૨૯ લાખ રોપા-વૃક્ષો વાવી દીધા હોવાનુ તંત્ર સમક્ષ કહેવામા આવ્યુ.એજન્સીઓએ ૨૦ના બદલે ૨૯ લાખ રોપા વાવી દીધા એનો એક અર્થ એવો પણ કાઢવામા આવી રહયો છે કે, કોર્પોરેશનની નર્સરીમા નવ લાખ રોપા-વૃક્ષો તૈયાર નહોતા.જો તૈયાર હતા તો કયાં ગયા? મિશન ફોર મિલિયન ઝૂંબેશ સો ટકા સફળ થઈ હોવાનો દાવો કરનારા શાસકપક્ષના હોદ્દેદારો હવે આ મામલે સકંજામા આવી ગયા છે.ચાર એજન્સીઓ તરફથી વધારે વાવવામા આવેલા નવ લાખ રોપાં-વૃક્ષોનુ પેમેન્ટ આપવા બગીચા વિભાગના અધિકારીઓ ઉપર દબાણ કરતા વૃક્ષોના મેઈન્ટેનન્સના નામે ૩૦ કરોડનુ અલગથી ટેન્ડર કરવાની પેરવી કરાઈ હતી. એ પણ હવે નિષ્ફળ રહી છે.

ટેન્ડર કરવાની સત્તા મ્યુનિ.કમિશનરની,રિક્રીએશન કમિટી ચેરમેન

રિક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ મિશન ફોર મિલિયન વિવાદ મામલે કહયુ, ટેન્ડર કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરની છે.સવાલ એ છે કે, રિક્રીએશન કમિટી દ્વારા રુપિયા ૬૯ કરોડના ટેન્ડરની રકમ રુપિયા ૧૩૫ કરોડ સુધી પહોંચી ગઈ ત્યાં સુધી બગીચા વિભાગના અધિકારીઓને કેમ કાંઈ ના પુછયુ. ઉપરાંત એજન્સીઓએ ૨૦ લાખના બદલે ૨૯ લાખ રોપા વાવ્યા કોના કહેવાથી રોપ્યા એ પણ રિક્રીએશન કમિટી તરફથી પુછી શકાયુ હોત.