Get The App

ગુમ લઘુમહંત પરિક્રમા રૂટના ઈંટવા ઘોડી પાસેથી મળી આવ્યા

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
ગુમ લઘુમહંત પરિક્રમા રૂટના ઈંટવા ઘોડી પાસેથી મળી આવ્યા 1 - image

શ્રમિકો પાણી ભરવા ગયા ત્યારે લઘુમહંત મંદિરે બેઠા હતા : મજૂરોએ વનવિભાગને અને તેણે સર્ચ કરી રહેલી પોલીસને જાણ કરી : લઘુમહંતને બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયા

જૂનાગઢ, : 4 દિવસથી ગુમ ભારતી આશ્રમના લઘુમહંત આજે પરિક્રમા રૂટના ઈટવા ઘોડી પાસેથી મળી આવ્યા હતા. આજે સવારે વન વિભાગના મજુરો મંદિરે પાણી ભરવા ગયા ત્યારે મહંત લોથપોથ હાલતમાં બેઠા હતા. મજુરોએ વન વિભાગને અને તેણે સર્ચ કરતી પોલીસ, એસડીઆરએફ ટીમને જાણ કરતા તાકીદે ત્યાં પહોંચી મહંતને વાહનમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. ત્રણ દિવસથી ભુખ્યા મહંતને ડિહાઈડ્રેશન થઈ જતા હાલ બોલી શકતા નથી. સ્વસ્થ થયા બાદ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.

ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવભારતી તા. 2ના 5 પાનાની સ્યુસાઈડ નોટ લખી આશ્રમમાંથી નીકળી ગયા હતા. બાદમાં તેનો કોઈ પત્તો મળતો ન હતો. પોલીસ તથા વન વિભાગની ટીમ દ્વારા ગિરનાર જંગલ, પર્વત તેમજ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી તેમ છતાં ગુમ મહંતની કોઈ ભાળ મળી ન હતી. આજે પોલીસ, એસડીઆરએફ, વન વિભાગના 300થી વધુ કર્મચારીઓએ જટાશંકર, પ્રેરણાધામ, ગિરનારની જુની સીડી વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 3500 પગથિયા સુધીમાં 30-30 કર્મચારીઓની 7 ટીમ પગથિયાથી જંગલ તરફ શોધખોળ કરી રહી હતી. આ ટીમને જંગલમાં થઈ શોધખોળ કરતા નીચે ઉતરવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો.

પરિક્રમા રૂટ પર આવેલા ઈટવા ઘોડી નજીક કાળભૈરવ મંદિર આવેલું છે. જ્યાં રોજ સવારે વન વિભાગના શ્રમિકો પાણી ભરવા જાય છે. આજે સવારે ૯ઃ૩૦ વાગ્યા આસપાસ શ્રમિકો પાણી ભરવા ગયા ત્યારે ગુમ મહંત મહાદેવ ભારતી મંદિર પાસે લોથપોથ હાલતમાં મળી આવ્યા હતા. શ્રમિકોએ ફોરેસ્ટરને જાણ કરી હતી, તેણે સર્ચ કરતી ટીમને જાણ કરતા પોલીસ તેમજ એસડીઆરએફના જવાનો ઈટવા ઘોડી પાસે આવેલા મંદિરે પહોંચ્યા હતા. જ્યાંથી પોલીસે લઘુમહંતનો કબ્જો મેળવ્યો હતો. લઘુમહંત ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા હોવાથી વ્યવસ્થિત બોલીચાલી શકતા ન હતા. ડિહાઈડ્રેશન થવાથી તેઓને તાત્કાલીક સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, હજુ મહંત બોલી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી પૂછપરછ કરી નથી. લઘુમહંત સ્વસ્થ થાય ત્યારબાદ પૂછપરછ કરી તેઓના નિવેદન અને આધારપુરાવાઓને ધ્યાને રાખી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આમ, ગુમ લઘુમહંત ચોથા દિવસે પરિક્રમા રૂટ નજીકથી મળી આવતા પોલીસ અને વન વિભાગના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો છે.