Get The App

પોલીસ નિષ્ક્રિય રહેતા લાપતા બાળકોના વાલીઓનો મોટો નિર્ણય, સંગઠિત થઈ ન્યાય માટે લડશે

Updated: Jun 5th, 2025

GS TEAM

Google News
Google News
પોલીસ નિષ્ક્રિય રહેતા લાપતા બાળકોના વાલીઓનો મોટો નિર્ણય, સંગઠિત થઈ ન્યાય માટે લડશે 1 - image

Ahmedabad News: અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી લાપતા બાળકો પૈકી અનેક સગીર બાળકોને શોધવામાં પોલીસ નિષ્ક્રિય રહેતા વાલીઓમાં રોષની લાગણી જોવા મળી છે. જેથી હવે વાલીઓએ સંગઠિત થઈને ગૃહવિભાગ અને પોલીસની નબળી કામગીરી સામે લડત આપવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત અમદાવાદ ખાતે 40થી વધુ લાપતા બાળકોના વાલીઓની મીટીંગ મળી હતી અને આગામી સમયમાં રાજ્યના દરેક શહેરમાં મીટીંગ કરીને ડેટા તૈયાર કર્યા બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું નક્કી કરાયું છે.

લાપતા બાળકોના વાલીઓમાં રોષ

ગુજરાતમાંથી નાના બાળકોથી માંડી સગીરના લાપતા થવાના અનેક કિસ્સા બને છે. જેમાં ભીક્ષાવૃતિ અને દેહવિક્રયના કાળા કારોબારમાં ધકેલતી ગેંગ પણ કેટલાંક કિસ્સામાં સક્રિય હોવાનું ખુદ પોલીસ દ્વારા કબુલવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ અનેક બાળકોને શોધવામાં પોલીસને ધારી સફળતા મળી નથી. જેના કારણે લાપતા બાળકોના વાલીઓમાં હવે રોષ પણ જોવા મળી રહ્યો છે.

જે અનુસંધાનમાં ગુમ થયેલા બાળકો માટે કામગીરી કરતા સર્ચ માય ચાઇલ્ડ નામની સંસ્થા સાથે સંકળાયેલા 40થી વધુ વાલીઓએ અમદાવાદ ખાતે મીટીંગ યોજી હતી. જેમાં પોલીસની કામગીરીમાં સંકલનનો અભાવ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને અનેકવાર કરવામાં આવેલી રજૂઆત બાદ પણ કામગીરી કરવામાં આવતી ન હોવાની બાબતો સામે આવી હતી.

આ મીટીંગમાં અમદાવાદ-ગાંધીનગરના વાલીઓ એકત્ર થયા હતા. ત્યારે હવે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ શહેરોમાં જઈને લાપતા બાળકોના વાલીઓનો સંપર્ક કરીને ડેટા તૈયાર કરવામાં આવશે. જેના આધારે ગૃહવિભાગ અને રાજ્ય પોલીસ વડાની રજૂઆત કરવાની સાથે જરૂર પડ્યે આંદોલન પણ કરવામાં આવશે. આ અંગે સર્ચ માય ચાઇલ્ડના ફાઉન્ડર સંજય જોષીએ જણાવ્યું કે, 'થોડા વર્ષો પહેલા લાપતા થયેલી વિશ્વા પટેલ અને અન્ય બાળકીઓ અંગે પોલીસને હજુસુધી કોઈ કડી મળી નથી અને મોટાભાગના કેસની તપાસ બંધ કરવામાં આવી છે. જે ખૂબ ગંભીર બાબત છે.'


Tags :