જન્મજાત નાક બ્લોકેજની સમસ્યાને કારણે
પાંચ દીકરીના પિતા ખર્ચને પહોંચી વળે તેમ ન હોવાથી આયષ્યમાન કાર્ડ હેઠળ નિઃશુલ્ક ઓપરેશન અને સારવાર થઈ
ભુજ તાલુકાના મિરઝાપર ગામની ૧૮ વર્ષની અસ્મિતા મોહનલાલ ચારણ જણાવે છે કે,શિયાળામાં તો હું શ્વાસ જ ન લઇ શકું તે પરિસ્થિતિ ઉભી થતી હતી. રાત્રે મારા માટે ઊંઘવું એક અગ્નિપરીક્ષા જેવું હતું. રાતે ઠંડક થતાં જ મારું નાક બંધ થઇ જતું હોવાથી મારા માટે મીઠી નીંદર માણવી તો એક સપના સમાન બની ગયું હતું. નાનપણથી અનેક દવા કરવા છતાં ઓપરેશન કરાવવાથી જ રાહત મળે તેવી સ્થિતી હતી. પરંતુ મારા પરિવારમાં મારા પિતા જ એકમાત્ર કમાનાર હોવાથી પાંચ બહેનોનો અભ્યાસનો ખર્ચ તથા પરિવારની જવાબદારીના કારણે મારું ઓપરેશનના ખર્ચને પહોંચી વળવો પિતા માટે મુશ્કેલ હતો. અમને હજારો રૂપિયાનો ખર્ચ ર્ કરવો પોષાય એમ ન હોવાથી ઓપરેશન કરાવવાનું અમે ટાળી રહ્યા હતા. પરંતુ એક દિવસ પરિવારના એક સભ્ય દ્વારા સરકાર દ્વારા અમલી આયુષ્યમાન યોજના હેઠળ કાર્ડ કઢાવી તેના મારફતે મફત સારવાર કરાવી શકાય છે.
તે અંગેની માહિતી મળતા અમે આયુષ્યમાન કાર્ડ કઢાવીને ભુજના સિવિલ હોસ્પિટલમાં તપાસ અને બાદમાં ઓપરેશન કરાવ્યુંહતું. જે સફળ રહેતા હાલ હું રાહતથી શ્વાસ લઇ શકું છું અને રાત્રે આરામથી નીંદર કરી શકું છું. મારી જિંદગીના ૧૮ વર્ષ સુધી એક એક શ્વાસ લેવા માટે મને થતી પીડાનો અંતે આયુષ્યમાન કાર્ડના કારણે અંત આવ્યો છે.
અસ્મિતાના પિતા મોહનલાલ જણાવે છે કે, સુથારી કામ કરીને હું પરિવારનું ગુજરાન ચલાવું છું. પરંતુ સરકારે મારી આ જવાબદારી વહન કરીને ખરાઅર્થમાં વાલીની ભૂમિકા અદા કરી છે. તેમને રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.


