પ્લેન ક્રેશમાં પાલનપુરના બે છાત્રોનો ચમત્કારીક બચાવ
- મેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થી દ્રીજેશ મોરેએ આપવિતી વર્ણવી
- જમીને જેવા હાથ ધોવા માટે ગયા ત્યારે મેસના બિલ્ડીંગ પર પ્લેન ખાબક્યું, દેખાવાનું બંધ થયું હતું
પાલનપુરમાં આદર્શ સ્કૂલ આગળ આવેલ સ્વપ્નસૃષ્ટિ સોસાયટીમાં રહેતા મૂળ વાસણ (જગાણા) ગામના ભૂપેન્દ્રભાઇ મોરનો પુત્ર દ્રીજેશ કે જે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં તેના મિત્ર પ્રથમ જુડાલ સાથે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. આ બન્ને મિત્રો ૧૨ જૂનના બપોરે બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં પ્રથમ માળે આવેલી મેસમાં નિત્યક્રમ મુજબ ભોજન કરવા માટે ગયા હતા. જમીને તેઓ સાથે થાળી મૂકવાના સ્થળે ગયા હતા. તે સમયે એકાએક બ્લાસ્ટ થતા કાળા ડીબાંગ ધુમાડાને લઇ અંધારા પટ છવાય ગયો હતો. જેથી આ બન્ને વિદ્યાર્થીઓને ભૂકંપ આવ્યો હોય અથવા હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવભરી સ્થિતિ ને લઇ એર સ્ટાઇક થઇ હોવાનો અહેસાસ થયો હતો.
ભારે ડસ્ટને લઇ શ્વાસ લેવામા તકલીફ પડવા લાગી હતી અને અંધારામાં બહાર નીકળવું જોખમ ભર્યું લાગતા બે મિનિટ ત્યાં ઊભા રહ્યા બાદ માંડમાંડ તેઓ બહાર નીકળી ગયા હતા. બહાર લોકો બૂમરાણ અને નાસભાગ કરતા અને બિલ્ડીંગની છત ઉપર પ્લેન ક્રેશ થઇને પડેલું જોવા મળ્યું હતું. જેથી તેઓનેસર્જાયેલી આ દુર્ઘટનામાં ભગવાને બચાવ્યા હોય તેવી અનુભૂતિ થઇ હતી.
જમીને નીકળ્યા બાદ હોસ્ટેલના મેસમાં દિવાલ તૂટી પડી
બપોરના સમયે હું મેસ માં જમીને હાથ ધોવા નીકળ્યો તે સમયે મેસમાં દીવાલ તૂટી પડી હતી. જોકે હું જમીને નીકળી જતાં મારો બચવા થવા પામ્યો હતો અને આ ઘટના બાદ હું મારા વતન પરત ફર્યો છું.
- વિદ્યાર્થી દ્રીજેશ મોરે
અસરગ્રસ્ત બિલ્ડીંગની બહાર નીકળ્યા ત્યારે ભયાનક દ્રશ્યો જોવા મળ્યાં
અમારી બિલ્ડીંગ પર પ્લેન ક્રેશ થવા બાદ અમે બહાર આવી ને જોતા બિલ્ડીંગ પર વિમાનનો આગળનો ભાગ ફસાયેલો પડયો હતો અને લોકોમાં નાસભાગ મચેલી હતી.ચારેકોર આગની જવાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા નજરે પડતાં હતા.
- વિદ્યાર્થી પ્રથમ જુડાળ