Gujarat

મહુવામાં સગીરની હત્યા કરી લાશને કુવામાં ફેંકી દીધી

By GS TEAM
27 Nov 20252 mins read
મહુવામાં સગીરની હત્યા કરી લાશને કુવામાં ફેંકી દીધી

- પારિવારિક મિત્રએ જ માલણ નદીના કિનારે હત્યા કરી

- માતા સાથે પ્રેમ સંબંધ મામલે સગીરને ચાલતી તકરાર મુદ્દે હત્યા થઈ, મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર : મહુવામાં ૧૭ વર્ષિય સગીરની પારિવારિક મિત્રએ હત્યા કરી લાશને માલણ નદીના કિનારે અવાવરું જગ્યામાં કુવામાં ફેંકી દીધાંનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યા છે. માતા સાથે પ્રેમસંબંધ મામલે સગીરને શખ્સ સાથે ચાલતી તકરાર મુદ્દે હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતકના કાકાએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્વયાહી હાથ ધરી છે.

મહુવામાં રહેતા ઉવેશભાઈ સલીમભાઈ કાળવાતર (ઉ.વ.૧૭) ગત મોડી સાંજ સુધી ઘરે પરત નહી આવતા પરિવારના સભ્યોએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ ઉવેશની ભાળ નહી મળતા મહુવા પોલીસ મથકમાં ગુમ થયાંની અરજી લખાવી હતી. તેમજ સગીરના પરિવારના સભ્યો દ્વારા અલગ-અલગ સીસીટીવી કેમેરા ચેક કરતા છેલ્લે ઉવેશ પારિવારિક મિત્ર હસન શબ્બીરભાઈ સલાટ સાથે જોવા મળ્યો હતો. જેથી હસનને ઉવેશ અંગે પુછતા તેણે સરખા જવાબ આપ્યા નહોતા. જે અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ તપાસમાં હસન શબ્બીરભાઈ સલાટે (રહે.નૂર સોસાયટી, મહુવા)એ ગતરોજ સાંજે ઉવેશ સાથે ઝઘડો થતાં નૂર સોસાયટીના પાછળના ભાગે માલણ નદીના કિનારે અવાવરું જગ્યાએ આવેલા કુવા પાસે ઉવેશની હત્યા કરી તેના મૃતદેહને કુવામાં નાખી દીધો હતો. આ અંગે મૃતકના કાકા ઈરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવાતરે મહુવા પોલીસ મથકમાં હસન શબ્બીરભાઈ સલાટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉવેશના પિતા બે વર્ષ પૂર્વે મૃત્યું પામ્યા હોય અને ઉક્ત હસનભાઈના ઘર સાથે તેમને પારિવારિક સંબંધ હોવાથી અવારનવારા ઉવેશના ઘરે આવતા હતા. પોતાની માતા અને હસનભાઈ વચ્ચેના પ્રેમસંબંધની જાણ ઉવેશને થતાં ઉવેશની હસનભાઈ સાથે તકરાર ચાલતી હતી. જેથી હસને ઉવેશભાઈને ભાદ્રોડના જાપે બોલાવી ત્યાંથી માલણ નદીના કિનારે લઈ જઈ હત્યા કરી હતી. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાશ ઉપર ના આવે તે માટે દોરીથી બાંધીને કુવામાં ફેંકી હતી

માલણ નદીના કિનારે હસન સલાટે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા ઉવેશ બેભાન જેવો થઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી દોરીથી ઉવેશને બાંધીને કુવામાં ફેંકી દીધો હતો. લાશ તરીને ઉપર ના આવે તે માટે લાશને દોરી વડે બાંધીને કુવામાં ફેંકી હતી, પરંતુ તેનો આ પ્લાન નિષ્ફળ રહ્યો હતો.