વડોદરાના વરણામા પોલીસ મથકમાં દુષ્કર્મ પીડિત સગીરાએ ઝાડ પર દોરી વડે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
Vadodara Suicide Case : વડોદરા ગ્રામ્યમાં આવતા વરણામા પોલીસ મથકમાં દુષ્કર્મ પીડિતા સગીરાએ આંબાના ઝાડ પર પ્લાસ્ટીકની દોરી વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. 19, ફેબ્રુઆરીના રોજ પીડિતા કોર્ટમાં જુબાની આપવા ગઇ હતી. ત્યાર બાદથી તે ટેન્શનમાં રહેતી હતી. ઘર-પરિવારના સભ્યો જોડે કોઇ ખાસ વાતચીત કરતી ન હતી. ઘટના અંગે મૃતકના પિતાએ વરણામા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી છે. જે બાદ મામલાની તપાસ વરણામા પોલીસ મથકના ASIને સોંપવામાં આવી છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકની હાલની ઉંમર 17 વર્ષ હોવાનો અંદાજ છે. સગીરા પર વર્ષ 2023માં દાહોદના નવાગામે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે અંગે દાહોદ જિલ્લાના કતવારા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ નામદાર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરમિયાન સગીરા 19, ફેબ્રુઆરી 2025ના રોજ કોર્ટમાં જુબાની આપવા ગઇ હતી. જુબાની આપીને પરત આવ્યા બાદથી સગીર પીડિતા ટેન્શનમાં રહેતી હતી. અને તેનો ચહેરો પણ ઉદાસ જણાતો હતો.
ત્યારબાદથી તે ઘર-પરિવારના સભ્યો સાથે કોઇ ખાસ વાતચીત પણ કરતી ન હતી અને શાંત જ બેસી રહેતી હતી. જેથી કોર્ટમાં જવાનું થયું હોવાના કારણે તેના મનમાં કંઇ લાગી આવ્યું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તા.25 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 7 વાગ્યા પહેલા તેણીએ આંબાના ઝાડ પર પ્લાસ્ટીકની દોરી વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું હતું. ઘટના અંગે મૃતકના પિતાએ વરણામા પોલીસ મથકને જાણ કરતા સ્ટાફ તુરંત દોડી આવ્યો હતો. વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે વરણામાં પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. જે બાદ મામલાની તપાસ એએસઆઇ સંતોષપ્રસાદ સૂર્યમણીને સોંપવામાં આવી છે.