સગીરા દવાખાને જવાનું કહીને લાપતા : અપહરણનો ગુનો દાખલ
ગાંધીનગર નજીક ડભોડા પંથકના ગામમાં રહેતી
મોપેડ ઉપર જતી જોવા મળેલી સગીરાનો ક્યાંય પતો નહીં લાગતા ડભોડા પોલીસ દ્વારા તપાસ શરૃ કરાઈ
ગાંધીનગર : ગાંધીનગર નજીક આવેલા ડભોડા પંથકના ગામમાં રહેતી અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતી સગીરા દવાખાને જવાનું કહીને લાપતા થઈ જતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અને આખરે આ અંગે ડભોડા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
નજીક આવેલા ડભોડા ગામમાં રહેતી અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતી સગીરાનો પરિવાર ખેત
મજૂરી કરીને ગુજરાત ચલાવી રહ્યો છે ત્યારે આ પરિવારના એક સંબંધીને ગાંધીનગર સિવિલ
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી પરિવારજનો તેમની ખબર અંતર પૂછવા માટે
જતા હતા. દરમિયાનમાં આ સગીરાએ પણ તેમની ખબર જોવા માટે સિવિલ જવાનું કહ્યું હતું
જેને પરિવારજનોએ જવા દીધી હતી પરંતુ આ સગીરા હોસ્પિટલ પહોંચી ન હતી. જેના પગલે
પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૃ કરવામાં આવી હતી પરંતુ તેણીનો ક્યાય પત્તો
લાગ્યો ન હતો. ગામ તેમજ આસપાસના વિસ્તાર અને સગા સંબંધીઓને પણ સગીરા સંદર્ભે
પૂછવામાં આવ્યું હતું પરંતુ તેમણે પણ સગીરા અંગે કોઈ જાણ નહીં હોવાનું કહ્યું
હતું. દરમિયાનમાં ગામના એક વ્યક્તિએ કહ્યું હતું કે આ સગીરાને એક મોપેડ ઉપર જતી
જોવામાં આવી હતી. જેના પગલે પરિવારમાં ચિંતા પ્રસરી ગઈ હતી અને આખરે કોઈ દ્વારા આ
સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા સેવવામાં આવી હતી અને તેના આધારે ડભોડા
પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે અપહરણનો ગુનો
દાખલ કરીને સગીરાની શોધખોળ શરૃ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી પણ
પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે.