વડોદરાના ચિલ્ડ્રન હોમમાંથી સગીરા ફરાર: દુષ્કર્મ પીડિતા ઝાડ પરથી કૂદીને ભાગી છૂટી, પોલીસ દોડતી થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AI Image
Vadodara : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી 'ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ' નામની સંસ્થામાંથી સગીર વયની એક પીડિતા ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ સગીરા સંસ્થાની પાછળ આવેલા ઝાડ પર ચડીને નીચે કૂદકો મારીને ભાગી છૂટી હતી, જેથી હોમની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સુપ્રિટેન્ડન્ટની ફરિયાદના આધારે ગોરવા પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
દુષ્કર્મ પીડિતાને ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી હતી
સુભાનપુરાની અજંતા સોસાયટી ખાતે સ્થિત 'ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ' સંસ્થા ગુનાહિત કૃત્યોનો ભોગ બનેલી, અનાથ તેમજ નિરાધાર સગીર બાળકીઓની માવજત અને અભ્યાસ માટેની જગ્યા છે. તાજેતરમાં દુષ્કર્મનો ભોગ બનેલી એક સગીરાને પોલીસ દ્વારા ગત 24મી જુલાઈના રોજ આ ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી હતી.
ઝાડ પર ચડી, કૂદકો મારીને ભાગી
સંસ્થાના સંચાલકોના જણાવ્યા અનુસાર, આ સગીરા ગત 10મી ડિસેમ્બરના રોજ સવારે સંસ્થામાંથી ફરાર થઈ ગઈ હતી. સગીરાએ સંસ્થાના પરિસરમાં આવેલા એક ઝાડ પર ચડીને ત્યાંથી કૂદકો માર્યો હતો અને સંસ્થાની દીવાલની બહાર નીકળી ગઈ હતી. સગીરા ફરાર થતાની જાણ થતાં જ સંસ્થાના સુપ્રિટેન્ડન્ટે ગોરવા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા
ફરિયાદ મળ્યા બાદ ગોરવા પોલીસે તાત્કાલિક સગીરાની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી હાથ ધરી છે, જેથી સગીરા કઈ દિશામાં ગઈ તેની માહિતી મળી શકે.આ ઉપરાંત, વિસ્તારના રીક્ષા ચાલકો સહિતના લોકોની પૂછપરછ કરીને સગીરા વિશેની માહિતી મેળવવાની તજવીજ કરવામાં આવી રહી છે. સગીરાને વહેલી તકે શોધી કાઢવા માટે પોલીસની ટીમો કામે લાગી છે. આ ઘટનાએ ચિલ્ડ્રન હોમની સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરી છે.








