ફાસ્ટ ફૂડની દુકાનમાં સગીરાને દીદી કહી બોલાવી છેડતી કરી
આરોપીના હાથ પર બચકું ભરીને સગીરા તેની ચુંગલમાંથી છટકી ઘરે જતી રહી
વડોદરા,મકરપુરા વિસ્તારમાં આવેલી ફાસ્ટ ફૂડની શોપ પાસેથી ચાલતી જતી ૧૭ વર્ષની કિશોરીને દીદી કહીને બોલાવી દુકાનમાં બોલાવી શારીરિક છેડતી કરનાર આરોપી સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા મકરપુરા વિસ્તારમાં આવેલી ફાસ્ટ ફૂડની દુકાન ધ બર્ગર ટાકો પાસેથી ૧૭ વર્ષની કિશોરી ચાલતી જતી હતી. તે સમયે એક દુકાનના માલિક જય હિતેશભાઇ વ્યાસે (ઉં.વ.૨૩) (રહે. શ્રીઆરના બંગ્લોઝ, નોવિનો તરસાલી રોડ) દીદી કહીને દુકાનમાં બોલાવી હતી. ત્યારબાદ દુકાન માલિકે કિશોરી સાથે શારીરિક છેડતી કરી હતી. ગભરાઇ ગયેલી કિશોરીએ આરોપીના હાથ પર બચકું ભરી લીધું હતું. ત્યારબાદ કિશોરી આરોપીની ચુંગલમાંથી છટકીને ઘરે જતી રહી હતી. કિશોરીએ ઘરે જઇને પરિવારને જાણ કરતા આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.