પંચમહાલ: વાંટાવછોડા ગામમાં પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાની હત્યા કરી, નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ

Panchmahal Crime: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાંટાવછોડા ગામમાં નજીવી બાબતે પુત્રએ પોતાના પિતાની ઘાતકી હત્યા કરી હોવાની ચકચારજનક ઘટના સામે આવી છે. પગી ફળિયામાં બનેલી આ ઘટનામાં પિતાએ ગાળો બોલવાની ના પાડતા આવેશમાં આવેલા પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાનું ઢીમ ઢાડી દીધુ હતું.
જાણો શું છે મામલો
મૃતક પ્રતાપ પગી અને તેમના પુત્ર અરુ પગી વચ્ચે લાંબા સમયથી જમીન બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. રવિવારે (20મી ઓક્ટોબર) ફરી આ મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઝપાઝપી દરમિયાન અરુ ગાળાગાળી કરી રહ્યો હતો, ત્યારે પિતા પ્રતાપે તેને ગાળો બોલવાની સખત ના પાડી હતી. આ બાબતથી ગુસ્સે ભરાયેલા પુત્ર અરુએ આવેશમાં આવી જઈને ઘરમાંથી કુહાડી લઈ આવ્યો હતો. તેણે પિતા પ્રતાપના કાનના નીચેના ભાગે પાછળથી કુહાડીનો ઘા ઝીંકી દીધો, જેના કારણે પ્રતાપ પગીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં જ શહેરા તાલુકા પોલીસ મથકના પીઆઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હત્યા બાદ ફરાર થયેલા આરોપી પુત્ર અરુ પગીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથધરી છે.