Gujarat

મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન, વિજેતાઓને સન્માનિત કરાયા

By GS TEAM
11 Dec 20251 min read
મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન, વિજેતાઓને સન્માનિત કરાયા

બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (બીએઆઈ)ના નેજા હેઠળ અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશન (જીબીએ)ના સહયોગથી બરોડા બેડમિન્ટન એસોસિએશન (બીબીએ) દ્વારા યોજાયેલી ચોથી મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આજે સમાપન થયું હતું.

તા.૮ ડિસેમ્બરથી શરૂ થયેલી આ અંડર-૧૧ ચેમ્પિયનશિપમાં દેશભરના ૨૨૫ જેટલા સ્પર્ધકોને પોતાનું કૌશલ્ય દેખાડવાનો મોકો મળ્યો હતો.

ચેમ્પિયનશિપના અંતિમ દિવસે તમામ ચાર કેટેગરી બોય્ઝ સિંગલ્સ, ગર્લ્સ સિંગલ્સ, બોય્ઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સની ફાઇનલ મેચો યોજાઈ હતી. બોય્ઝ સિંગલ્સમાં તમિલનાડુના પ્રણવ એસ વીએ દિલ્હીના ચિત્રાંશ શર્માને ૨૧-૧૭, ૨૧-૧૫થી હરાવી ટાઇટલ હાંસલ કર્યો હતો. ગર્લ્સ સિંગલ્સમાં આસામની અભિરૂચિ સાઇકિયાએ શાઇના શમીને ૨૧-૧૪, ૨૧-૭થી પરાજિત કરી ખિતાબ મેળવ્યો હતો.

ગર્લ્સ ડબલ્સમાં વેસ્ટ બેંગોલની ઈશાની માંડલ અને આહના શ્રિમાનીની જોડીએ મહારાષ્ટ્રની પ્રિયા અંબ્રુલે અને ક્રિષ્ના ગોયેલને ૨૬-૨૪, ૧૪-૨૧, ૨૧-૧૭થી હરાવી વિજય મેળવ્યો હતો. બોય્ઝ ડબલ્સમાં મણિપુરની એસ લોઇટોગબામ અને ડી ના મીરાકપામની જોડીએ તમિલ નાડુના નિરવ હરિહરન અને પ્રણવ એસવીને ૨૧-૧૮, ૨૧-૧૪થી પરાજિત કરી ખિતાબ જીત્યો હતો ..