જામનગરમાંથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી મીની ફેકટરી ઝડપાઇ, 3ની ધરપકડ
Jamnagar News: જામનગર નજીક કનસુમરા વિસ્તારમાં એક ફેક્ટરી ભાડે રાખીને ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી મીની ફેક્ટરી એલસીબીની ટીમે પકડી પાડીને ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે. ઘટનાસ્થળેથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવા માટેનું સ્પીરિટ, કલર તથા અન્ય સામગ્રી ખાલી બોટલો, લેબલ, ઢાંકણા વગેરે સહિત રૂપિયા સવા આઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ફેક્ટરી ૩ મહિનાથી ચાલુ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
એલસીબીને બાતમી મળી હતી કે, જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલી ’’આર્ય એસ્ટેટ’’માં (1) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (2) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (3) મહિપાલસિંહ આશીષસિંહ રાણા જે ત્રણેય કિશનસીંગ શેખાવત રહે.જયપુર રાજસ્થાન વાળા સાથે મળી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવે છે.
બાતમી ના આધારે ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા રેઇડ કરી ત્યાંથી (1) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (2) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (3) મહિપાલસિંહ આશીષસિંહ રાણાને પકડી પાડયા હતા. જ્યારે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા કિશનસીંગ શેખાવત (રહે. જયપુર રાજસ્થાન-સ્પીરીટથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવનાર) અને ગજેન્દ્રસિંહ જાડેજા રહે. જામનગર (ઇંગ્લીશ દારૂનું વેચાણ કરનાર) ફરાર થઇ જતાં પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.