Gujarat

ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ ચોરી બેફામ, તંત્ર સદંતર નિષ્ફળ હોવાની ફરિયાદ

By GS TEAM
3 Dec 20251 min read
ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ ચોરી બેફામ, તંત્ર સદંતર નિષ્ફળ હોવાની ફરિયાદ

ગેરકાયદેસર રેતીના વોશ પ્લાન્ટ અને પથ્થર ખનન છતાં તંત્ર મૌન

વારંવાર રજૂઆતો બાદ પણ પગલાં નહીંથ શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા

ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા તાલુકામાં રેતી અને પથ્થરનું ખુલ્લેઆમ ખનન ચાલી રહ્યું છે. ભરાડા, ધુ્રમઠ અને બાવળી જેવા ગામોમાં ગેરકાયદેસર રેતી ખનન અને વોશ પ્લાન્ટ સામે સ્થાનિકો અને આગેવાનોએ અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

અગાઉ રેઇડમાં સીલ કરાયેલા મુદ્દામાલનો પણ ભૂમાફિયાઓ બીજા જ દિવસે ગેરકાયદેસર ખનનમાં ઉપયોગ કરી નિયમોની ઉલ્લંઘન કરતા માલુમ પડયા હતા. બાવળી ગામે રેતીના વોશ પ્લાન્ટમાં ઓવરલોડ ડમ્પરો ચાલવાથી નવો બનેલો રોડ પણ બિસ્માર થઈ ગયો છે.

ધ્રાંગધ્રા પંથકના રાજગઢ, સત્તાપર, ઘનશ્યામગઢ, રાજપર, કંકાવટી સહિતના ગામોમાં પથ્થરનું ગેરકાયદેસર ખનન થતું હોવાની પણ ફરિયાદો છે. આ ખનનને કારણે પ્રકૃતિને મોટું નુકસાન થઈ રહ્યું છે, છતાં પ્રકૃતિપ્રેમીઓની લેખિત અને મૌખિક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. તંત્રની આ શંકાસ્પદ ભૂમિકા અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીની જગ્યા ખાલી છે અને ઇન્ચાર્જ અધિકારી દ્વારા વહીવટ ચાલતો હોવાથી સમગ્ર જિલ્લામાં ખનીજ ચોરીએ માજા મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું છે.