આંકલાવ તાલુકામાં માવઠાથી પાંચ હજાર વીઘામાં બાજરીના પાકનો સોથ વળ્યો
- જિલ્લામાં 37 હજાર હેક્ટરમાં બાજરીનું વાવેતર
- વાવાઝોડાના કારણે બાજરીનો પાક પલળી જતા નાશ પામ્યા જેવી સ્થિતિ, સર્વે કરીને વળતર આપવાની માગણી
આણંદ જિલ્લામાં તાજેતરમાં સાડા ચાર ઇંચ સુધી કમોસમી વરસાદ પડયો હતો. જેના કારણે બાજરી, ડાંગર, તલ સહિતના પાક પલળી જતા વ્યાપક નુકસાન થયું હતું. ખેતરમાં તૈયાર ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.
જિલ્લામાં ૩૭ હજાર હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે. જેમાં આંકલાવ તાલુકાના બામણ, ગંભીરા, નવખલા, ચમારા, બીલવાડા, નવાપુરા, નારપુરા, દેવાપુરા, મોટી સંખ્યાન, નાની સંખ્યા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ હજાર વીઘામાં બાજરીનો પાકને વાવાઝોડાના કારણે નાશ પામ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. બાજરીનો પાક આડો પડી ગયો છે જેના કારણે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.મોટી સંખ્યાડના સરપંચ નગીનભાઇ સોલંકીએ જણાવ્યુ કે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો બાજરીના પાક પર નિર્ભર છે અને વરસાદ અને વાવાઝોડાના કારણે બાજરીનો પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને આવક ગુમાવવાનો વારો આવ્યો છે. જેથી તાકિદે સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત તાલુકામાં કેળ, શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે.