તારાપુરમાં વાવાઝોડા સાથે એક ઈંચ વરસાદમાં મીલનો શેડ ઉડયો
- આણંદ જિલ્લામાં ગુરૂવારે મધ્યરાત્રીએ વાતાવરણ પલટાયું
- તારાપુર તાલુકાના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો : ડાંગર, બાજરી, મગના પાકને નુકસાન
આગામી ચાર દિવસ દરમિયાન જિલ્લાના અન્ય સ્થળોએ પણ વરસાદી ઝાપટા વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. સાથે સાથે ૫૦થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આણંદ જિલ્લાના તારાપુર શહેરમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. ગુરુવારની મોડી રાત્રે ૧૨.૩૦થી ૧.૩૦ વાગ્યાના અરસામાં વાવાઝોડા, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર એક ઈંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભારે વાવાઝોડા વરસાદને લઈ તાલુકાના મોટા ભાગના ગામોમાં ગત રાતથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જે ઘણા ખરા ગામોમાં હજુ સુધી વીજ પુરવઠો શરૂ થયો ન હોવાનું જાણવા મળે છે.
વરસાદે ખેડૂતોની સાથે તારાપુરના અનાજના વેપારીઓ માટે પણ આફત નોતરી હતી. રાત્રે ફૂંકાયેલા વાવાઝોડામાં તારાપુર ખંભાત રોડ પર આવેલી આર આર એગ્રો નામની રાઈસ મીલનો આખેઆખો શેડ ઉડી જવા સાથે મશીનરી અને માલસામાન પલળી જતા નુકસાન થયું હતું. ભારે પવનથી ઊડી ગયેલા શેડના પતરા બાજુના ખેતરમાં વેર વિખેર હાલતમાં પડયા હતા.
તારાપુર પંથકમાં હાલ ઉનાળુ ડાંગરની કાપણી અંતિમ તબક્કામાં છે, ગત તા.૬ મેના રોજ તારાપુર સહિત તાલુકાના ગામોમાં વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદ બાદ ૧૫ દિવસમાં બીજી વાર કમોસમી વરસાદને લઈ ડાંગર, બાજરી, મગ સહિતના ઉનાળુ પાકને પણ ભારે નુકસાન થયું હોવાથી સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.
તાડપત્રીથી ઢાંકીને જણસી લાવવા એપીએમસી દ્વારા સૂચના
કમોસમી વરસાદની આગાહીને પગલે જણસી વેચાણ માટે લાવતા ખેડૂતોએ માલની સલામતી માટે તાડપત્રીથી ઢાંકીને જણસી લાવવા માટે જણાવાયું છે. તેમજ વેપારીઓએ પણ ખરીદેલો માલ સુરક્ષિત જગ્યાએ રાખવા તારાપુર એપીએમસી દ્વારા સૂચના આપવામાં આવી છે.
આંકલાવમાં 50 વીજ પોલ થરાશાયી થતા 10 ગામોમાં અંધારપટ
આંકલાવ તાલુકામાં ગુરૂવારે મોડી રાતે જોરદાર પવન ફૂંકાતા ૫૦થી વધુ વીજપોલ ધરાશાયી થતા ૧૦ જેટલા ગામોમાં અંધાર પટ છવાઈ ગયો હતો. એમજીવીસીએલની ટીમો દ્વારા નવા વીજપોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેતરોમાં બાજરીનો ઉભો પાક આડો પડી જતા ખેતી પાકને નુકસાન થયું છે. સાથે સાથે કેળના પાકને પણ નુકસાન પહોંચ્યું છે.