Gujarat

આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી

By GS TEAM
23 Mar 20262 mins read
આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી

- બાકરોલ એનસીસી કેમ્પ માટે દૂધ અને દહીંનો આર્ડર આપ્યો

- આરોપીએ વીડિયો કોલ કરી પ્રોસેસ કરાવતા અજાણ્યા ક્રેડિટ કાર્ડનું બિલ ભરાવી દઈ મોટી રકમ પડાવી લીધી 

નડિયાદ : નડિયાદ તાલુકાના કણજરી ગામના એક વૃદ્ધ દૂધના વેપારી સાથે આર્મી ઓફિસરની ઓળખ આપી ગઠિયાએ ઓનલાઇન છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આ આર્મી ઓફિસરની ઓળખ આપનાર ગઠિયાએ વેપારીને વિશ્વાસમાં લઈ ગૂગલ પેથી રૂ.૮૮,૫૯૯ ટ્રાન્સફર કરાવી લઈ વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હતી.

નડિયાદ તાલુકાના કણજરી ગામમાં રહેતા મહમદ રફીક યુસુફભાઈ વહોરા 'અફજલ આઈસ્ક્રીમ એન્ડ મિલ્ક પાર્લર' ચલાવે છે. ડિસેમ્બર ૨૦૨૫માં એક અજાણ્યા નંબર પરથી તેમના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો. ફોન કરનારે મિલેટ્રી કર્નલ સતિષકુમાર તરીકે ઓળખ આપી જણાવ્યું હતું કે, બાકરોલની એમ્સ કોલેજમાં એન.સી.સી. કેમ્પ માટે દૂધની જરૂર છે. શરૂઆતમાં ઓર્ડર લેવાની ના પાડયા બાદ, ગત ૪ જાન્યુઆરીના રોજ વેપારી પર ફરી ફોન આવતા મહંમદ રફીકએ ૪૦ લિટર દૂધ અને ૧૦ કિલો દહીં મોકલવાની તૈયારી દર્શાવી હતી. બીજા દિવસે સવારે દૂધની ડિલિવરી મોકલવામાં આવતા દૂધના પૈસા ચૂકવવાના બહાને ગઠિયાએ વેપારી પાસે ગૂગલ પેની વિગતો માંગી હતી. વેપારીને ટેકનિકલ સમજ ઓછી હોવાથી, આરોપીએ તેમના પુત્રના મોબાઈલ પર વિડીયો કોલ કર્યો અને પ્રોસેસ કરવા જણાવ્યું હતું. જેથી વેપારીએ પ્રોસેસ કરતા જ તેમના ખાતામાંથી કોઈ અજાણ્યા ક્રેડિટ કાર્ડનું બિલ ભરાઈ ગયું હતું. આમ મહંમદ રફીક વહોરાએ પ્રોસેસ કર્યાની થોડી જ વારમાં તેમના બેંક ખાતામાંથી રૂ.૮૮,૫૯૯ કપાઈ ગયા હતા. જ્યારે વેપારીના પુત્રએ આરોપીને ફોન કર્યોે, ત્યારે તેણે પૈસા પરત કરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી બેંકમાં તપાસ કરતા સાયબર ફ્રોડ થયાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે મહમદ રફીક યુસુફભાઇ વહોરાની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.