વડોદરા, તા.19 વિદેશમાં વર્ક પરમિટના નામે અનેક લોકો સાથે ઠગાઇ કરનાર માંજલપુર વિસ્તારના ભેજાબાજ મિલીન પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. સિંગાપોર મોકલવાના બહાને ત્રણ જણ સાથે છેતરપિંડી કરી રૃા.૮.૨૫ લાખ પડાવી લીધા બાદ પરત નહી કરતા ત્રીજી ફરિયાદ મિલીન પટેલ સામે નોંધાઇ છે.
વલસાડ જિલ્લાના જેસપોર ગામમાં વાંકડી ફળિયામાં રહેતી જીનલ જીણાભાઇ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મિલીન ઇન્દ્રવદનભાઇ પટેલ (રહે.સોનલપાર્ક, માંજલપુર, મૂળ કંડારી, તા.કરજણ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સુરતમાં આલ્બમ ડિઝાઇનિંગની વરાછા ખાતેની ઓફિસમાં નોકરી કરું છું. વર્ષ-૨૦૨૪માં મારે સિંગાપોર ખાતે નોકરી માટે જવાનું હોવાથી મારા શેઠ હસમુખભાઇ વોરાને કહેતા તેમણે જવાની હા પાડી હતી.
મારા શેઠ વડતાલ સ્વામિનારાયણ મંદિર ગયા ત્યારે જાણવા મળ્યું હતું કે વિઝા અંગેનું કામ માંજલપુર ખાતે શ્લોક કોમ્પ્લેક્સમાં શિવાય ઓવરસિઝ નામની ઓફિસ ધરાવતો મિલીન પટેલ કરે છે જેથી મારા શેઠે મને પણ મિલીન પટેલ અંગે કહી મિલીન સાથે ફોન પર વાત કરતા તેણે વડોદરા આવવાનું કહ્યું હતું. તા.૬ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ હું, મારા શેઠ તેમજ મારી મિત્ર ખુશ્બૂ પટેલ અને તેના પતિ હિતેશ નાઇકને પણ સિંગાપુર જવાનું હોવાથી તેઓ પણ અમારી સાથે વડોદરા આવ્યા હતાં અને મિલીન પટેલને તેની ઓફિસે મળ્યા હતાં.
મિલીન પટેલે સિંગાપોરની વર્ક પરમિટ એક સપ્તાહમાં મળી જશે તેમ કહી ત્રણેને સિંગાપોર મોકલવા માટેનો ખર્ચ રૃા.૧૧ લાખ થશે તેમ કહ્યું હતું. તેના કહ્યા મુજબ ગૂગલ પે, રોકડ તેમજ આંગડિયાથી રકમ મોકલી હતી પરંતુ તેણે વર્ક પરમિટની કોઇ કાર્યવાહી કરી ન હતી. માત્ર વાયદો કરતો હોવાથી તેની પાસે રૃપિયા પાછા લેવાની માગણી કરતા તેણે થોડી રકમ ટુકડે ટુકડે પરત કરી હતી જ્યારે હજી રૃા.૮.૨૫ લાખ બાકી જ રાખ્યા છે.
ડભોઇ, વરણામા બાદ માંજલપુરમાં પોલીસ ફરિયાદ
માંજલપુરમાં શિવાય ઓવરસિઝ નામની ઓફિસ ખોલી વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના બહાને અનેક લોકો પાસેથી લાખો રૃપિયા મિલીન પટેલે ખંખેરી લીધા છે. અગાઉ તેની સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં તેમજ બાદમાં વરણામા પોલીસ સ્ટેશનમાં કેનેડા અને લંડન મોકલવાના બહાને મોટી રકમ પડાવી હોવાની ફરિયાદ નોધાઇ હતી અને હવે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ ત્રીજી ફરિયાદ છે.
એપ્રિલ માસની અરજી પોલીસે દફ્તરે કર્યા બાદ ગુનો નોંધવો પડયો
માંજલપુર વિસ્તારના મિલીન પટેલે ઠગાઇ કરી હોવાની જાણ થતાં જ જીનલ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એપ્રિલ માસમાં અરજી આપી હતી પરંતુ અરજીની તપાસ કરતા જમાદારે આવું તો ચાલ્યા કરે તેમ કહી અરજી દફ્તરે કરી દીધી હતી. બાદમાં જીનલ પટેલ પોલીસ કમિશનરને મળ્યાં હતાં જેના આધારે આખરે પોલીસે ફરિયાદ દાખલ કરવી પડી છે.


