લખતરમાં તલાટી સહિત વચેટિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયા

એસીબી પોલીસે છટકુ ગોઠવી બંનેને ઝડપી પાડયા
તલાટીએ વડોદ ગામના બે પ્લોટના ગામ નમુના નં.૨ના ઉતારા માટે રૃા.૩૦૦૦ની લાંચ માંગી હતી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર એસીબી પોલીસે શહેરી વિસ્તારમાં આવેલ એક હોટલ પાસે છટકુ ગોઠવી નજીવી રકમની લાંચ લેતા લખતર ગ્રામ પંચાયતના તલાટી સહિત બે વ્યક્તિને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે અને બંને વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વઢવાણ તાલુકાના વડોદ ગામે આવેલ બે પ્લોટના ગામ નમુના નં.૨ના ઉતારા માટે લખતર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ધર્મેશકુમાર તળશીભાઈ પેઢડીયાએ ફરિયાદી પાસે રૃા.૩૦૦૦ની લાંચ આપવી પડશે તેમ જણાવ્યું હતું અને લાંચની આ રકમ રાજુભાઈ રામજીભાઈ વસોયા (પ્રજાજન)ને આપી દેવાનું જણાવ્યું હતું પરંતુ ફરિયાદી ગેરકાયદેસર લાંચ આપવા માંગતા નહોતા આથી સુરેન્દ્રનગર એસીબી ટીમનો આ અંગે સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે સુરેન્દ્રનગર એસીબી પીઆઈ સહિતની ટીમે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી રાજ હોટલ પાસે પેટ્રોલ પંપ સામે છટકું ગોઠવ્યું હતું અને છટકા દરમ્યાન રાજુભાઈ વસોયા અને તલાટી ધર્મેશકુમાર પેઢડીયાને રૃા.૩૦૦૦ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડયા હતા અને બંનેને સુરેન્દ્રનગર એસીસી પોલીસ મથકે લાવી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં નજીવી રકમની લાંચ લેતા તલાટી ઝડપાતા અન્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.








