સગીરાનુ અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આધેડ માસાને છેલ્લા શ્વાસ સુધીની સજા

પાંચ વર્ષ અગાઉ કલોલ તાલુકાના ગામમાં
દસ દિવસ સુધી અલગ અલગ સ્થળોએ લઈ જઈને દુષ્કૃત્ય આચર્યું ઃ કલોલ એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : કલોલ તાલુકાના ગામમાં પાંચ વર્ષ અગાઉ સગીરવયની ભાણીને લગ્નની લાલચ આપીને આધેડ માસા દ્વારા તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને દસ દિવસ સુધી અલગ અલગ સ્થળે લઈ જઈ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે કેસ કલોલ એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
હાલમાં સમાજમાં સગીરભાઈની દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને તેમની ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે કલોલ તાલુકાના ગામમાં પણ પાંચ વર્ષ અગાઉ સગા માસા દ્વારા ભાણેજ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસની મળતી વિગતો પ્રમાણે મૂળ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વેજવાડા ગામમાં રહેતા આધેડ દલપતજી પ્રભાતજી ઠાકોર દ્વારા કલોલ વિસ્તારના ગામમાં રહેતી તેની સાળીની દીકરી સાથે પ્રેમના પાઠ ભણાવીને તેણીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને ગત ૨૯ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ રાત્રિના સમયે તેણીનું અપહરણ કરીને અલગ અલગ સ્થળે દસ દિવસ સુધી રાખીને શારીરિક શોષણ કર્યું હતું. જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસ કલોલ કોર્ટમાં પાંચમાં એડિશનલ સેશન્સ જજશ્રી બી.આર રાજપૂતની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ આર.એલ પટેલ તથા જીગ્નેશ જોશી હાજર રહ્યા હતા અને તેમણે ભોગ બનનાર સગીરા, તપાસ અધિકારીની જુબાની લીધી હતી તેમજ ૨૭ દસ્તાવેજી પુરાવા અને ૧૧ સાહેદોની જુબાની લીધી હતી. કેસના અંતે જીગ્નેશ જોશીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, સમાજમાં આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ ભોગ બનનારના ગાડયનની ભૂમિકામાં માસા હોવા છતાં તેણે આ ગુનો આચાર્યો છે. જેથી સમાજમાં દાખલો બેસે તે પ્રકારે સજા થવી જોઈએ. જે દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપી દલપતજી પ્રભાતજી ઠાકોરને ઉંમર કેદ એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.









