Gujarat

માસૂમ બાળકીની છેડતી કરનાર આધેડને પાંચ વર્ષની સખ્ત કેદની સજા

By GS TEAM
1 Apr 20262 mins read
માસૂમ બાળકીની છેડતી કરનાર આધેડને પાંચ વર્ષની સખ્ત કેદની સજા

કલોલના વડસર ગામમાં પાંચ વર્ષ અગાઉ

બાળકીને શેરડીનો રસ પીવડાવવાની લાલચ આપી આધેડે કૃત્ય કર્યું હતું : કલોલ સેશન્સ કોર્ટનો ચુકાદો

ગાંધીનગર: કલોલના વડસર ગામમાં પાંચ વર્ષ અગાઉ બાળકીને શેરડીનો રસ પીવડાવવાની લાલચ આપીને આધેડ દ્વારા તેણીને ગ્રામ પંચાયત પાછળ લઈ જઈ શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ કલોલ સેશન્સ કોર્ટ દ્વારા પુરાવાઓ અને સરકારી વકીલની દલીલને ગ્રાહ્ય રાખીને આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા અને ૫૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ વડસર ગ્રામપંચાયત ખાતે કંપનીની ઓરડીમાં રહેતા અને મૂળ મહેસાણા જુના પાવર હાઉસ ખાતેના વતની ૫૨ વર્ષીય હસમુખજી ધનાજી કાળુજી ઠાકોરે ૮ વર્ષની બાળકીને શેરડીનો રસ પીવડાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેણીને પંચાયત કચેરી પાછળના બાથરૂમમાં લઈ જઈ તેની છેડતી કરી હતી.

બાળકીની બૂમો સાંભળીને લોકો દોડી આવતા હસમુખજી ત્યાંથી નાસી છૂટયો હતો. જે સંદર્ભે સાતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસ કલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ શ્રી બી.આર. રાજપૂતની કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં સરકારી વકીલ જીગ્નેશ એચ. જોષી દ્વારા રજૂ કરવામાં આવેલા ગ્રામપંચાયતની ઓફિસ પાસેના સીસીટીવી કેમેરાના ફૂટેજ સૌથી મહત્વનો ઈલેક્ટ્રોનિક પુરાવો સાબિત થયા હતા. સાક્ષીઓએ અદાલતમાં પેનડ્રાઈવ દ્વારા બતાવવામાં આવેલા ફૂટેજને સમર્થન આપ્યું હતું અને આરોપીને ઓળખી બતાવ્યો હતો. જેના પગલે કોર્ટે આરોપી હસમુખજી ધનાજી ઠાકોરને પાંચ વર્ષની સખત કેદની સજા અને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં બાળકીને બે લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો. આ ચુકાદાની શરૂઆત કોર્ટે અત્યંત પ્રભાવશાળી શ્લોક ધર્મ એવ હતો હન્તિ ધર્મો રક્ષતિ રક્ષિતથ થી કરી હતી. અદાલતે સ્પષ્ટપણે જણાવ્યું કે જો કાયદા કે ન્યાય (ધર્મ)નો નાશ થાય, તો તે આપણો નાશ કરે છે, પરંતુ જો તેનું રક્ષણ કરવામાં આવે તો તે આપણું રક્ષણ કરે છે. અદાલતે એ બાબત પર ભાર મૂક્યો હતો કે જો આવા ગંભીર ગુનાઓમાં ન્યાય કરવામાં નિષ્ફળતા મળે, તો સામાજિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ શકે છે. આરોપીને સજા ફટકારીને અદાલતે ન્યાયના ધર્મનું રક્ષણ કર્યું છે.