Gujarat
બોડેલી તાલુકામાં સગીરા ઉપર રેપના કેસમાં આધેડને 20 વર્ષ જેલની સજા
By GS TEAM
1 Jul 20251 min read

બોડેલી : બોડેલી તાલુકામાં સગીરા પર બળાત્કાર કરીને તેને ગર્ભવતી બનાવનાર આધેડને બોડેલી કોર્ટ ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે.
બોડેલી તાલુકાના એક ગામમાં માનવતા શરમાઈ જાય એવી ઘટના સામે આવી છે. ગામના એક આધેડે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને જો વાત બહાર આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
સગીરા તેના માતા-પિતા સાથે રહેતી હતી. તેઓ મજૂરી કામે ગયા હોય ત્યારે આધેડ તેના ઘરમાં ઘૂસી જતો અને દુષ્કર્મ આચરતો હતો. થોડા દિવસોમાં સગીરાને ઉલટી થવા લાગી અને શરીરમાં બદલાવથી તેની માતાને શંકા ગઈ. પૂછતાં સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી.
પોલીસ ફરિયાદ બાદ આ કેસ બોડેલી કોર્ટમાં ચાલી ગયો હતો. જયાં સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની દલીલોના આધારે જ્જે આરોપીને દોષિત ઠેરવી ૨૦ વર્ષની કેદની સજાનો અને ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો પણ હુકમ કર્યો છે.








