તુરખા ગામના આધેડને દોઢ અને તરધરાના શખ્સને 1 વર્ષની સજા

- ચેક બાઉન્સના અલગ-અલગ બે કેસમાં કોર્ટે સજાનો હુકમ કર્યો
- વળતરની રકમ ન ચૂકવે તો વધુ જેલવાસ ભોગવવા કોર્ટનું ફરમાન
બોટાદના તુરખા ગામે રહેતો ભીમશી ખીમાભાઈ લુણી (ઉ.વ.૫૫) નામના આધેડે બોટાદની માધવ શરાફી સહકારી મંડળી લિ.માંથી દસ લાખ રૂપિયાની લોન લીધા બાદ પરત ન કરી ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થતાં મંડળીના મેનેજર ચિરાગભાઈ મહેતાએ તેમના વકીલ મારફત વર્ષ ૨૦૨૨માં બોટાદના ચીફ જ્યુડી. મેજિ.ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેની સુનવણી હાથ ધરી કોર્ટે ભીમશી લુણીને તકસીરવાન ઠેરવી ૧૮ માસની સાદી કેદ અને રૂા.૧૪,૧૦,૦૦૦ની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા તેમજ જો રકમ ન ભરે તો વધુ ચાર માસનો જેલવાસ ભોગવવા હુકમ કર્યો હતો.
બીજા બનાવમાં તરધરા ગામે મુખ્ય બજાર, ભક્તિરામની દુકાન પાસે રહેતો રાજુ રણછોડભાઈ બારૈયા નામના શખ્સે બોટાદની ધારા ફાયનાન્સમાંથી ધંધા અને દવાખાનાના કામ માટે રૂા.૩૫,૦૦૦ લીધા બાદ આપેલો ચેક પરત ફરતાં શૈલેન્દ્રસિંહ ખોડુભા ડોડિયાએ પોતાના વકીલ મારફત બોટાદ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ફરિયાદ દાખલ કર્યા તારીખથી ચેકની રકમ ઉપર સાત ટકા વ્યાજ સાથે ફરિયાદીને વળતર ચૂકવી આપવા અને જો રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.








