વાસણ-રાંધેજા રોડ ઉપર હિટ એન્ડ રન વાહનની અડફેટે ચાંદખેડાના આધેડનું મોત

જિલ્લાના માર્ગો ઉપર વધતી જતી અકસ્માતની બનાવોઓ વચ્ચે
મોપેડ સવાર આધેડને ફંગોળી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો ઃ પેથાપુર પોલીસની શોધખોળ
ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ
સ્થિતિમાં શહેર નજીક આવેલા રાંધેજા વાસણ માર્ગ ઉપર વધુ એક હિટ એન્ડ રનની ઘટના
પ્રકાશમાં આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના શિરોહી જિલ્લાના અને હાલ અમદાવાદના
ચાંદખેડામાં અરીહંતનગરમાં રહેતા રાજુભાઈ લીલારામ સુથાર ઉ.વ. ૪૮, શનિવારે સાંજેના
સુમારે પોતાનું જ્યુપીટર સ્કૂટર લઈને વાસણ મહાદેવ ગામથી રાંધેજા ચોકડી તરફ જઈ
રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરઝડપે આવેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે રાજુભાઈના
સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત સર્જીને વાહન ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો. અકસ્માતને કારણે રાજુભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, માથામાં થયેલી ગંભીર ઈજાઓને કારણે સારવાર કારગત નીવડી ન હતી અને રાત્રે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના નાના ભાઈ નારાયણલાલ લીલારામ સુથારને ફોન દ્વારા જાણ થતાં તેઓ તુરંત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ફરાર થઈ ગયેલા વાહનચાલકની શોધખોળ શરૃ કરવામાં આવી છે.








