- પોલીસે દોડી આવીને તપાસ હાથ ધરી
- મૂળ મહારાષ્ટ્રના હાલમાં ધ્રાંગધ્રાના દેપાળાના ચોરા પાસે આધેડ રહેતા હોવાનું ખૂલ્યું
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરમાં આવેલા જડેશ્વર બ્રિજ પરથી એક આધેડ અચાનક નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થતાં મોત નિપજ્યું હતું. આ બનાવને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રા શહેરના જડેશ્વર બ્રિજ ઉપરથી એક આધેડ નીચે પટકાયા હોવાનું સ્થાનિક રાહદારીઓને માલુમ પડતા તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બેભાન હાલતમાં પડેલા આધેડને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે આધેડની તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા આધેડની ઓળખની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક આધેડનું નામ દેવીદાસ ઈટકલે ચંદ્રેશભાઈ (ઉં.વ. ૭૫ વર્ષ) હોવાનું સામે આવ્યું હતું. મૃતક મૂળ મહારાષ્ટ્રના વતની હતા અને હાલ ધ્રાંગધ્રાના દેપાળાના ચોરા પાસે રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું.
આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી અવ્યા હતા. જ્યારે આધેડના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો જે બનાવને લઈને ધ્રાંગધ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આધેડ કેવી રીતે બ્રિજ પરથી નીચે પટકાયા ? તે અંગે પણ તપાસ શરૂ કરી હતી.


