વૃક્ષમાં બાઇક ભટકાતા આધેડનું મોત, થેલીમાંથી દારૂની 8 બોટલ મળી આવી
સુરતના કામરેજની સીમમાં બારડોલી રોડ પર અકસ્માતમાં જુનાગઢના કેશોદના વતની અને સેલ્સમેનનું કામ કરતા 45 વર્ષના પિયુષભાઇ વસંતની ઓળખ
બારડોલી/ સુરત/ જૂનાગઢ : સુરત જિલ્લાના કામરેજ ખાતે બારડોલી તરફ જતા રોડ ઉપર બાઈક ચાલક આધેડે રોડ સાઈડે વૃક્ષ સાથે અથડાવી દેતાં માથામાં ગંભીર ઈજા થતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. મરનાર જુનાગઢના કેશોદના સેલ્સમેનની બાઈકની ઉપર થેલીમાંથી વિદેશી દારૂની સારી તથા ફૂટેલી 8 બોટલો મળી હતી.
કામરેજ કોળી ભરથાણા રોડ ઉપર સહજાનંદ રેસીડેન્સીમાં દિવ્યેશ લીલાધરભાઈ વરડાંગર પરિવાર સાથે રહે છે અને ને.હા.નં. 48 ઉપર ટી સ્ટોલ ચલાવે છે. દિવ્યેશ ગતરોજ શુક્રવારે સાંજના સમયે પોતાની બાઈક લઇ કામરેજથી ચાર રસ્તા તરફ જવા નીકળ્યો હતો. તે સમયે પાછળથી આવેલી બાઇક (નં.GJ-11-LL-6294) ના ચાલકે દિવ્યેશને ઓવરટેક કરી સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી રોડ સાઈડે વૃક્ષ સાથે અથડાવી દેતાં બાઈક ચાલકને માથા તથા શરીરે ઇજા થતાં સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. દિવ્યેશે પોતાની બાઈક રોડ સાઈડ ઉભી રાખી જોવા જતાં મરનાર પોતાનો મિત્ર પિયુષ શાંતિલાલ વસંત (ઉ.વ. 45, રહે.આદર્શ નગર, કેશોદ, જી.જુનાગઢ) હતો. પિયુષ વસંત સેલ્સમેનનો ધંધો કરતો હતો. પોલીસે દિવ્યેશની હાજરીમાં પિયુષ વસંતની બાઈક ઉપરની થેલીમાં તપાસ કરતા વિદેશી દારૂની 8 જેટલી સારી તથા ફૂટેલી બોટલો મળી આવી હતી.