પત્નીના મૃત્યુ બાદ તેમના વિરહમાં આધેડ અને વૃધ્ધે જીવન ટુંકાવી લીધું

- ફાસ્ટ લાઇફમાં લોકો ઝડપથી ઘટનાઓ ભૂલી જાય છે ત્યારે
- પાંડેસરાના
50 વર્ષના રાજુભાઇ રાજપુત 10વર્ષથી તણાવમાં હતા : ખટોદરાના 71 વર્ષીય જયપ્રકાશ વાઇવાલાની
પત્નીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું
સુરત,:
સુરતમાં આપઘાતના
વધુ બે બનાવમાં પત્નીના વિરહમાં તણાવમાં રહેતા પાંડેસરામાં પચાસ વર્ષના આધેડ અને ખટોદરામાં
૭૧ વર્ષના વૃધ્ધે આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું.
સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં ગોવાલક રોડ પર શ્રી રામનગરમાં રહેતા ૫૦ વર્ષીય રાજુભાઇ ભાવલાલ રાજપુત શુક્રવારે સાંજે ઘરમાં પંખાના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું. પોલીસે જણાવ્યુ કે, ૧૦ વર્ષ પહેલા રાજુભાઇની પત્નીનું અવસાન થયુ હતુ. ત્યારથી તે ડિપ્રેશનમાં રહેતા હોવાથી વાર તહેવારે પત્નીની યાદ આવતી હતી. આવા સંજોગોના લીધે તે માનસિક તાણ અનુભવતા હતા. તેમને સંતાનમાં ૩ પુત્રી છે. તે છુટક મજુરી કામ કરતા હતા. મુળ મહારાષ્ટ્રના વતની હતા.
બીજા બનાવમાં ખટોદરા વિસ્તારમાં નારાયણનગર સોસાયટીમાં રહેતા ૭૧ વર્ષીય જયપ્રકાશભાઇ નવનીતલાલ વાઇવાલાએ શુક્રવારે રાત્રિ દરમિયાન ઘરમાં પંખા સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે, જયપ્રકાશભાઇની પત્નીનું ચાર વર્ષ પહેલા મૃત્યુ થયુ હતું. ત્યારથી તેમના વિરહમાં સતત ઝુરતા હતા. તે નિવૃત્ત જીવન ગાળતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર જરીનું કારખાનું ચલાવે છે.








