Gujarat

નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું

By GS TEAM
26 May 20263 mins read
નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું

વડોદરાઃ નર્મદા નદીમાં મળતા અને સી ફૂડ માર્કેટમાં વ્યાપક રીતે વેચાતા ઝીંગા અને કરચલા જેવા ક્રસ્ટેશિયન પ્રાણીઓમાં સૂક્ષ્મ પ્લાસ્ટિક કણો (માઇક્રોપ્લાસ્ટિક) અને ભારે ધાતુઓની ચિંતાજનક હાજર હોવાનું તારણ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગની એમએસસીની  વિદ્યાથની રિયા બિપિનભાઈ જોષી દ્વારા ડા. નિકેતા મહેતા ના માર્ગદર્શન હેઠળ થયેલા સંશોધનમાં સામે આવ્યું છે.

સંશોધનના ભાગરુપે  નર્મદા નદીના ગરુડેશ્વરથી લઈને હાંસોટ સુધીના ૧૦ વિસ્તારોમાંથી ઝીંગા અને કરચલાના ૫૦ જેટલા નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમના  શરીરના અલગ અલગ ભાગોની તપાસ કરવામાં આવી  હતી. તેમાં જોવા મળ્યું હતું કે, પ્લાાસ્ટિકના સૂક્ષ્મ  કણો આ પ્રજાતિઓના ખોરાક પચાવતા ભાગ એટલે કે આંતરડામાં સૌથી વધુ પ્રમાણમાં એકત્રિત થતા હતા.

ડો.નિકેતા મહેતા અને રિયા જોષીના કહેવા પ્રમાણે  મુજબ આંતરડું એ એવો ભાગ છે જ્યાં  પાણી અને ખોરાક સાથે સૂક્ષ્મ પ્લાસ્ટિક કણો એકત્રિત થાય છે. જ્યારે  સજીવના સ્નાયુઓ સુધી  માત્ર પચાયેલો ખોરાક જ લોહી દ્વારા પહોંચે છે. આંતરડાની સરખામણીએ સ્નાયુઓમાં ઓછી માત્રામાં પણ પ્લાસ્ટિકના કણો પહોંચ્યા તો હતા જ. મોટાભાગના નમૂનાઓમાં  રેસા પ્રકારના કાળા અને વાદળી રંગના  સૂક્ષ્મ પ્લાસ્ટિક કણોની સંખ્યા સરેરાશ ૯ થી ૧૫ જેટલી હતી. આ પ્રદૂષણ પાછળ પાણીમાં ઠલવાતા સિન્થેટિક કાપડના રેસા, માછીમારી માટે વપરાતી જાળ, પાણીમાં ભળતું ગટરનું ટ્રીટ કર્યા વગરનું પાણી તથા પ્લાસ્ટિકનો કચરો જવાબદાર હોઈ શકે છે.કારણકે ઝીંગા અને કરચલાના ૯૫ થી ૧૦૦ ટકા નમૂનાઓમાં પોલિથિલિન અને  ૭૫ થી ૮૫ ટકા નમૂનાઓમાં પોલિપ્રોપલિનની હાજરી નોંધાઈ હતી.

કઈ પ્રજાતિઓના નમૂનાનું એનાલિસિસ કરાયું

--પિનિયસ મોનોડોન( ટાઈગર ઝીંગા અથવા કાળો વાઘ ઝીંગા)

--પિનિયર ઈન્ડિકસ( સફેદ ઝીંગા)

--મેટાપિનિયસ ક્ચ્છેન્સિસ( કચ્છી ઝીંગા)

--મેક્રોબ્રેકિયમ રોઝેનબર્ગી( મોટો નદી ઝીંંગા)

--સ્કાયલા સેરાટા( દરિયાઈ કરચલો અથવા મડ કરચલો)

--બેરિટેલ્ફ્યુસા ક્યુનિક્યુલારિસ(મીઠા પાણીનો કરચલો અથવા નદીમાં થતો કરચલો)

સી ફૂડ મારફતે માનવ શરીરમાં પ્લાસ્ટિક પહોંચી શકે છે

અભ્યાસનું સૌથી ચિંતાજનક તારણ એ રહ્યું કે સૂક્ષ્મ પ્લાસ્ટિક કણો માત્ર આંતરડા સુધી મર્યાદિત નહોતાં પરંતુ લોકો દ્વારા ખાવામાં ઉપયોગમાં લેવાતા ભાગ એવા સ્નાયુ તંતુઓ સુધી પણ પહોંચ્યા હતા. આથી સ્પષ્ટ થાય છે કે પ્લાસ્ટિકના અતિસૂક્ષ્મ કણો માનવ શરીરમાં પ્રવેશી શકે છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ નર્મદા નદીમાં વધી રહેલું પ્લાસ્ટિક અને ઔદ્યોગિક પ્રદૂષણ લાલબત્તી ધરી રહ્યું છે.

એનાલિસિસ માટે ઈન્ફ્રારેડ ટેકનોલોજીનો ઉપયોગ

સંશોધન માટે ફોરિયર ટ્રાન્સફોર્મ ઇન્ફ્રારેડ વિશ્લેષણ નામની પરિક્ષણ પધ્ધતિનો ઉપયોગ કરાયો હતો.જેના થકી પદાર્થમાં કયા પ્રકારના રસાયણો અથવા પ્લાસ્ટિકના ઘટકો હાજર છે તેની ઓળખ થઈ શકે છે.સરળ ભાષામાં કહીએ તો ઇન્ફ્રારેડ કિરણોની મદદથી પદાર્થની અંદરની રચનાની જાણકારી મળે છે.કારણકે  દરેક પ્લાસ્ટિક અથવા રસાયણ ઇન્ફ્રારેડ કિરણોને અલગ રીતે શોષે છે. જેનાથી ખબર પડે છે કે, નમૂનામાં કયા પ્રકારનું પ્લાસ્ટિક હાજર છે. સંશોધનમાં આ પદ્ધતિ દ્વારા નાયલોન, પોલિથિલિન, પોલિપ્રોપિલિન અને પોલિથિલિન ટેરેફ્થાલેટ જેવા વિવિધ પ્રકારના પ્લાસ્ટિકની ઓળખ કરવામાં આવી હતી.

પ્રજાતિઓમાં ભારે ધાતુઓની પણ હાજરી 

અભ્યાસ દરમિયાન ભારે ધાતુઓનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પ્રજાતિઓમાં ક્રોમિયમ, નિકલ, તાંબું, જસત, લોહ, કેડમિયમ અને સીસા જેવા ઝેરી તત્વો પણ મળ્યા છે.જોકે હજી તેનું પ્રમાણ જાણવા માટે એનાલિસિસ ચાલી રહ્યું છે. સંશોધકોના જણાવ્યા મુજબ સૂક્ષ્મ પ્લાસ્ટિક કણો અને ભારે ધાતુઓનું સંયુક્ત પ્રદૂષણ જળચર પ્રાણીઓ તેમજ માનવ આરોગ્ય બંને માટે લાંબા ગાળે જોખમી બની શકે છે.