Get The App

વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ

પાંચમા માળે લટકતો કેબલ ખેંચવા જતાં કરંટ લાગવાથી મોત થયું હતું

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું  વળતર ચૂકવવા આદેશ 1 - image

વડોદરા : વાસણા રોડ પર આવેલા એપાર્ટમેન્ટના પાંચમા માળની અગાશી પર લટકી રહેલા ટીવી કેબલના વાયરને ખેંચવા જતા કરંટ લાગવાના કારણે વોચમેનનું મોત નિપજવાના બનાવમાં એમજીવીસીએસ સહિતના તમામ પ્રતિવાદીને કસુરદાર ઠેરવી અદાલતે મૃતકને રૃા.૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, વડોદરાના વાસણા રોડ પર આવેલા અંતરિક્ષ નેક્સ્ટ એપાર્ટમેન્ટમાં તા.૨૧ જુલાઈ, ૨૦૨૦ના રોજ એક કરુણ ઘટના બની હતી. અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ૫૨ વર્ષીય બિપિનભાઈ રોહિત પાંચમા માળની અગાશી પર લટકી રહેલા ટીવી કેબલના વાયરને ખેંચવા ગયા હતા. આ દરમિયાન કેબલ વાયર નજીકમાં આવેલા વીજ કંપનીના ડી.પી. (ટ્રાન્સફોર્મર) સાથે સંપર્કમાં આવતા જોરદાર કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં બિપિનભાઈનું શરીર કમ્મરથી માથા સુધી ગંભીર રીતે દાઝી ગયું હતું અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ મૃતકના પત્ની તેમજ તેની ત્રણ સગીર પુત્રીઓએ વડોદરાની સિવિલ કોર્ટમાં વળતર મેળવવા માટે દાવો માંડયો હતો. વાદી પક્ષે રજૂઆત કરી હતી કે આ અકસ્માત મધ્ય ગુજરાત વીજ કંપની (એમજીવીસીએલ) અને કેબલ નેટવર્ક કંપનીઓની ઘોર બેદરકારીને કારણે થયો છે. તેમણે આક્ષેપ કર્યો  હતો કે વીજ કંપનીએ ડી.પી. પાસે જોખમી રીતે પસાર થતા કેબલને રોકવા જોઈતા હતા અને કેબલ ઓપરેટરોએ પણ વાયરોનું યોગ્ય મેઈન્ટેનન્સ કર્યું નહોતું, જેના કારણે એક હસતો-રમતો પરિવાર નિરાધાર બની ગયો છે.

સામે પક્ષે, એમજીવીસીએલ અને કેબલ ઓપરેટરોએ પોતાની જવાબદારી નકારતા દલીલ કરી હતી કે આ ઘટનામાં તેમની કોઈ ભૂલ નથી. વીજ કંપનીએ બચાવ કર્યો હતો કે મૃતક પોતાની ફરજ છોડીને અગાશી પર કેબલ ખેંચવા ગયા હતા, જે તેમની પોતાની બેદરકારી હતી. કેબલ કંપનીઓએ પણ એવી રજૂઆત કરી હતી કે તેમણે મૃતકને આવું કોઈ કામ સોંપ્યું નહોતું અને તેઓ આ અકસ્માત માટે જવાબદાર નથી.

બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ન્યાયાધીશે ચૂકાદો આપતાં નોંધ્યું હતું કે, વીજ કંપની અને કેબલ ઓપરેટરોની સામૂહિક નિષ્ક્રિયતાને કારણે આ જોખમી સ્થિતિ સર્જાઈ હતી. મૃતક દ્વારા કેબલ ખેંચવાનું કાર્ય કોઈ બિનઅધિકૃત કૃત્ય નથી. ન્યાયાધીશે પ્રતિવાદીઓ એમજીવીસીએલ, જીટીપીએલ અને સ્થાનિક કેબલ ઓપરેટરને સંયુક્ત રીતે વાદીઓને ૯ ટકાના વ્યાજ સાથે  ૧૦,૮૭,૨૦૦નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.