મનરેગામાં ગરીબોનું શોષણ, અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઓછું વેતન અને સરકારી તાયફા પાછળ ધૂમ ખર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Images Sourse: IANS |
MGNREGA Scam: ગુજરાતમાં આદિવાસી-પછાત વિસ્તારોમાં મનરેગા યોજનાનો મૂળ હેતુ બહાર આવ્યો હોય તેમ લાગતુ નથી. કારણ કે, ગરીબ મજૂરોને પુરતી મજૂરી પણ મળતી નથી. સરકારી યોજના મનરેગામાં પણ ગરીબોનું શોષણ થતું હોય તેમ લાગી રહ્યુ છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં મનરેગામાં ઓછુ વેતન ચૂકવાઈ રહ્યુ છે. એક બાજુ સરકારી તાયફાઓ પાછળ રાજ્ય સરકાર લાખો કરોડોનો ધુમાડો કરી રહી છે, જ્યારે ગરીબ મજૂરોને પૂરતું વેતન આપવા સરકાર પાસે પૈસા નથી.
મનરેગામાં ગરીબ મજૂરોને ગુજરાતમાં રૂ. 280 દૈનિક વેતન ચૂકવાઈ છે
આદિવાસી-પછાત વર્ગના ઉત્કર્ષના નામે સરકાર મગરના આંસુ સારી રહી છે. વાસ્તવિકતા એછે કે, મનરેગા જેવી સરકારી યોજનાનો લાભ ગરીબો સુધી પહોંચ્યો હોત તેમ લાગતુ નથી. ખુદ કેન્દ્ર સરકારનો રિપોર્ટ છે કે, ગુજરાતમાં મનરેગાના ગરીબ લાભાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે. આ ઉપરાંત મનરેગામાં ગરીબ મજૂરોને જે દૈનિક મજૂરી મળવી જોઈએ તે પુરતી નથી. લોકસભામાં રજૂ થયેલાં આંકડા મુજબ, હરિયાણામાં મનરેગાના મજૂરોને રોજના 374 રૂપિયા ચુકવાય છે. ગોવામાં 356 રૂપિયા, કર્ણાટકમાં 349 રૂપિયા, કેરાલામાં 346 રૂપિયા, પંજાબમાં 328 રૂપિયા, આંદામાન નિકોબારમાં 329 રૂપિયા, દીવમાં 324 રૂપિયા, પોડિચેરીમાં 319 અને મહારાષ્ટ્રમાં 297 રૂપિયા દૈનિક વેતન ચૂકવાઈ છે.
એક બાજુ ગરીબ આદિવાસી-પછાતોના મસિહા હોવાનો સરકાર દાવો કરી રહી છે, જ્યારે બીજી તરફ સરકાર મનરેગાના વેતનમાં વધારો કરતી નથી. અન્ય રાજ્યોમાં મનરેગાની મજૂરી 300 રૂપિયાથી વધુ છે, જ્યારે વાઈબ્રન્ટ-વિકસીત ગુજરાતમાં મનરેગામાં રોજ માત્ર 280 રૂપિયા ચૂકવી જાણે ગરીબ મજૂરો પર સરકાર જાણે ઉપકાર કરતી હોય તેમ લાગી રહ્યુ છે. અત્યારે તો ગુજરાતમાં મનરેગા યોજનાનો મંત્રીપુત્ર-મળતિયાઓએ જ ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. ગરીબો તેનો લાભ ઉઠાવી શક્યા નથી. ગુજરાતમાં મનરેગા યોજના કમાણીની યોજના બની રહી છે. ખુદ મંત્રીપુત્રોની સંડોવણી હોવા છતાંય સરકાર મો સીવીને બેઠી છે.
મજૂરોની ખોટી હાજરી દેખાડી પૈસા ઉપાડી લેવાયા
નર્મદા- દાહોદ જિલ્લામાં મનરેગામાં મોટાપાયે ગેરરીતી આચરી લાખો રૂપિયા ખિસ્સામાં સેરવી લેવાયાં છે. એવુ જાણવા મળ્યુ છે કે, સમગ્ર કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરથી ટીમ નર્મદા પહોંચી રહી છે કેમકે, ડ્રોન મોનીટરીંગમાં એવુ સામે આવ્યું છે કે, મજૂરો તો ડોકાયાં જ નથી તેમ છતાંય તેમની હાજરી દેખાડી નાણાં ઉપાડી લેવાયાં છે. મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડા કરવા, રસ્તા-નાળા બનાવવાં સહિતના કામો કરવા માટે મજૂરોની ખોટી હાજરી દર્શાવી નાણાંનુ ચૂકવણુ કરી દેવાયુ છે. નર્મદા જિલ્લાના સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડા, નાંદોદ સહિતના વિસ્તારમાં મનરેગામાં ગેરરીતી થઈ હોવાની વિગતો બહાર આવી છે.
3 વર્ષમાં ગુજરાતમા મનરેગાના 6 હજારથી વધુ નકલી જોબકાર્ડ રદ થયાં
મનરેગા યોજનાના કામોની સમગ્ર ગુજરાતમાં નિષ્પક્ષ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. મનરેગા યોજના જાણે કમાણીની યોજના બની રહી છે. કારણ કે, નકલી જોબકાર્ડ બનાવી પણ ગેરરીતી આચરવામાં આવી રહી છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતમાં કુલ મળીને 6592 નકલી જોબકાર્ડ રદ કરાયાં હતાં. વર્ષ 2024-25માં જ 988 નકલી જોબકાર્ડ કેન્સલ કરાયા હતાં.









