Surat Metro Train Project : સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે પરંતુ ધીમી કામગીરીના પગલે સુરતની ભૌગોલિક સુરત બદલાઈ રહી છે જોકે હવે સુરતીઓ માટે મેટ્રોની કામગીરી ભગવાનના ભક્તોને ભક્તિ માટે પણ વિલન બની રહી છે. અડાજણ વિસ્તારમાં આવેલા બદ્રીનારાયણ મંદિરની આસપાસ મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેના કારણે મંદિરે દર્શન કરવા જવા ભક્તોને મુશ્કેલી પડી રહી છે. લોકોની ફરિયાદ બાદ સુરતના સાંસદે સ્થળ મુલાકાત લઈ સુચના આપી છે.
સુરતમાં મેટ્રોની કામગીરી મંથર ગતિએ અને આયોજન વિના ચાલતી રહી છે તેના કારણે સુરતીઓ ની હાલત કફોડી થઈ રહી છે. શહેરમાં જ્યાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસ રહેતા લોકો અને વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે. પરંતુ આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટના નામે ચાલી રહ્યો છે અને લોકોને ભારે મુશ્કેલી પડતી હોવા છતાં મોદીના ડ્રીમ પ્રોજેક્ટના નામે ચાલતી મેટ્રોની કામગીરી સામે કોઈ અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજકીય નેતાઓએ લોકોની સમસ્યા હોવા છતાં મોઢા પર તાળા મારી દીધા છે તેથી લોકોની હાલત વધુ કફોડી થઈ રહી છે.
છેલ્લા કેટલાક વખતથી અડાજણ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને કારણે લોકોની હાલત કફોડી થઈ રહી છે. અડાજણ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વકરતી હોવા ઉપરાંત બદ્રીનારાયણ મંદિરની આસપાસના લોકો સાથે ભગવાનની ભક્તિ કરવા આવતા ભક્તોની હાલત પણ કફોડી થઈ રહી છે. ભક્તો આક્ષેપ કરે છે કે, આ કામગીરીના પગલે મંદિરે દર્શન કરવા આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે અને તેઓને અકસ્માત થાય તેવી પણ ભીતિ છે. આવી અનેક ફરિયાદ બાદ સાંસદ મુકેશ દલાલે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી હતી. તેઓએ સાથે આવેલા અધિકારીઓને સમસ્યા નિવારવા માટે તાકીદ કરી છે.
જોકે, અત્યાર સુધી મેયર સહિતના પાલિકાના પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત અનેકે મેટ્રો સાથે બેઠક કરી છે અને અનેક સુચનાઓ આપી છે. પરંતુ મેટ્રોના અધિકારીઓ મનફાવે તેમ કામ કરતા હોવાથી લોકોની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. સાંસદ મુકેશ દલાલે પણ અધિકારીઓને લોકોની સમસ્યા નિવારવા માટે તાકીદ કરી છે તેમની સુચનાનો અમલ થશે કે પછી અગાઉ જે અધિકારી-નેતાઓએ સુચના આપી હતી તે કાગળ પર જ રહી છે તેવું થશે કે નિકાલ થશે તે આગામી સમય જ બતાવશે.


