અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે, હવામાન વિભાગે વરસાદ સાથે વાવાઝોડાની કરી આગાહી
Cyclone to form in Arabian Sea: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ શકે છે, જેને લઈને આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યાએ ફંટાઈ જાય તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.
ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી
આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વરસાદ, વીજળી અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
જોકે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહિવત્ છે. આજે 17 અને 18મે 2025ના રોજ અમરેલી, રાજકોટ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસર
બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. જેથી મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તો બીજી તરફ ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે.