Get The App

સિટીના નાના-મોટા વેપારી દુકાનો બંધ કરી રહ્યા છે તો કાપડબજાર ઓડઇવનથી ખૂલે છે

જોકે, માર્કેટમાં વેપારીઓની હાજરી ઓછી, એકાઉન્ટન્ટ કે સ્ટાફને દુકાને મોકલી આપવામાં આવે છે

Updated: Jul 16th, 2020

GS TEAM

Google News
Google News


સુરત, તા.16 જુલાઇ, 2020, ગુરૃવાર

કોરોના સંક્રમણના હાઉને કારણે જુદા જુદા વિસ્તારમાં નાનાં મોટાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ શરૃ કરી દીધો છે. ઘણાં વિસ્તારમાં તો બપોરના બાર કે બે વાગ્યે દુકાનો કે કામકાજ આટોપી લેવામાં આવે છે. પરંતુ કપડાં બજારમાં વેપારીઓએ ઓડ-ઇવન પ્રમાણે કામકાજ ચાલુ રાખ્યું છે. જોકે, માર્કેટમાં વેપારીઓની હાજરી ખૂબ ઓછી છે. એકાઉન્ટન્ટ કે સ્ટાફને મોકલી આપવામાં આવે છે.

કાપડના વેપારીઓએ કામકાજ ચાલું રાખ્યું હોવાથી, કટીંગ, પેકિંગ કે ડીલેવરીના કામકાજ સાથે સંકળાયેલાં મજૂર કારીગર વર્ગને કાપડ બજારમાં આવવું પડે છે. અત્યારે જોકે કટીંગનું કામકાજ કરનારા કારીગર વર્ગનું કામ ખૂબ જ ઓછું થઈ ગયું છે. પરંતુ પેકિંગ અને ડિલિવરીનું કામ હવે બે દિવસનું ભેગું પૂરું કરવામાં આવે છે.

કોરોના સંક્રમણના કેસોની સંખ્યા ખૂબ જ વધી ગઈ હોવાથી, વેપારીઓમાં ખૂબ જ ડર છે. વેપારીઓ માર્કેટમાં આવવાનું ટાળી રહ્યા છે. પરિણામે માર્કેટમાં રોજીંદી ચહલપહલ ખૂબ જ ઓછી છે. આડ-ઈવનને કારણે, પણ મુલાકાતીઓની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. દેશના અન્ય રાજ્યોમાં લોક ડાઉનનો અમલ ચાલુ હોવાને કારણે માર્કેટમાં કામકાજો ખૂબ જ ઘટી રહ્યા છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

બિહાર, ઉત્તર પ્રદેશના બે જિલ્લાઓ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં બંધ જેવી હાલત હોવાને કારણે પાછલું ડીસ્પેચીગ પણ ખૂબ જ મર્યાદિત થઈ ગયું છે. ઓડ ઇવનની ફોર્મ્યુલા પ્રમાણે માર્કેટમાંની દુકાનો ખુલે તો છે, પરંતુ કામકાજ એટલા નથી. આમ છતાં પણ વેપારીઓ દુકાનો ખુલ્લી રાખીને કામકાજ ધપાવી રહ્યાં છે.

માર્કેટમાં ગાઇડલાઇનનો અમલ યોગ્ય રીતે થતો નહીં હોવાથી મજૂરોને સંક્રમિત થવાનો ડર

કોવિડ-૧૯ ગાઇડ લાઇનનો અમલ સખ્તાઇપૂર્વક કરવાની સૂચના સરકારની છે. સોશિયલ ડિસ્ટન્સીગ અને માસ્કનો ઉપયોગ તો, બધા ચુસ્તપણે પાલન કરે છે. પરંતુ સેનીટાઇઝર ગાયબ થઈ ગયું છે. દરવાજે ઉભેલા સિક્યુરિટી ગાર્ડ પાસે સેનેટાઇઝરની બોટલ દેખાતી નથી. વળી, મુલાકાતીઓનું થર્મલ ગનથી ચેકિંગ પણ યોગ્ય રીતે કરવામાં આવતું નથી. થર્મલ ગન આપવામાં આવ્યા છે, પરંતુ એક-બે સેકન્ડ માંડ કપાળ સામે ધરીને ટેમ્પરેચર સુધ્ધાં ચેક કરાતું નથી, અને જવા દેવામાં આવે છે. આવી બેદરકારીને કારણે કારીગર-મજુર વર્ગ સંક્રમિત બને તો તેની જવાબદારી કોણ લેશે એવો પ્રશ્ન ડીલેવરી કામકાજ સાથે સંકળાયેલા ઉમાશંકર મિશ્રાએ ઉઠાવ્યો છે.

 

Tags :