રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ
Bharuch News : ભરૂચ રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા મહિલાની 15 વર્ષની પુત્રી ગુમ થઈ જવાની ઘટના સામે આવી છે. મહિલાને સંતાનમાં એક પુત્ર તથા બે ટ્વીન્સ પુત્રીઓ છે. જે પૈકી સહુથી નાની પુત્રી સંગીતા (નામ બદલ્યું છે)માનસિક અસ્વસ્થ હોવાથી સારવાર ચાલી રહી છે. ગઈકાલે સાંજે સોસાયટીમાં રમવા જાઉં છું તેમ કહી સંગીતા ઘરેથી નીકળ્યા બાદ પરત આવી ન હતી અને મોબાઇલફોન પણ સ્વીચ ઓફ હતો. આસપાસ તથા સંબંધીઓને ત્યાં ભારે શોધખોળ છતાં સંગીતા મળી આવી ન હતી. માથે મૂંડન કરાવેલ સંગીતાએ સફેદ ટીશર્ટ અને ગ્રે કલરનું જીન્સ પહેર્યું છે. જેથી દીકરી ક્યાંક જતી રહી છે અથવા કોઈક અજાણ્યો શખ્સ અપહરણ કરી લઈ ગયો હોવાની શંકાએ ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.