Get The App

AMC માં વર્ગ-૧થી ૩ની મોટા પગારવાળી ૪૫૨૪ જગ્યા ખાલી

મેન્ટલ સ્ટ્રેસ, ૨૪ કલાક જેવી નોકરી કરવા કોઈ તૈયાર નથી

ફિકસ પગારથી ભરવામા આવેલી જુનિયર કલાર્ક જેવી જગ્યાના પસંદ કરેલા ઉમેદવારોએ પણ મ્યુનિ. કોર્પો.નો સાથ છોડી દીધો

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
AMC માં વર્ગ-૧થી ૩ની મોટા પગારવાળી ૪૫૨૪ જગ્યા ખાલી 1 - image

અમદાવાદ,સોમવાર,23 ફેબ્રુ,2026

સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાર્ષિક બજેટ ભલે રુપિયા ૧૮૫૧૮ કરોડનું મંજૂર કરાયુ હોય. પરંતુ બદલાયેલા સમયમાં કોર્પોરેશનમાં કામગીરીના ભારણને લઈ વધી રહેલા મેન્ટલ સ્ટ્રેસ તથા સતત ૨૪ કલાક હાજર રહેવુ પડે તેવી નોકરી કરવા કોઈ તૈયાર નથી. કોર્પોરેશનમાં વર્ગ-૧થી ૩ની  રુપિયા દોઢથી બે લાખના માસિક પગારવાળી વર્ગ-૧થી ૩ની કુલ ૪૫૨૪ જગ્યા ઉપર કોર્પોરેશનને યોગ્ય ઉમેદવાર જ મળતા નથી.ફિકસ પગારથી જુનિયર કલાર્કની જગ્યા ભરવા બે વર્ષ પહેલા તંત્રે કવાયત કરી હતી. આ જગ્યા ઉપર પસંદગી પામેલા ઉમેદવારો પણ રાજય સરકાર કે અન્ય  કોર્પોરેટ  કંપનીઓમાં વધુ પગાર મળતો હોઈ રાજીનામા આપી રહયા છે. આ રાજીનામા સેન્ટ્લ ઓફિસને પણ મંજુર કરવા પડયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનો હદ વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી વધતા હાલમાં ૪૮૦ ચોરસ કિલોમીટર કરતા પણ વધુ વિસ્તાર શહેરની હદમા આવેલો છે. આંકડાકીય દ્રષ્ટિએ ૨૪ હજાર કર્મચારીઓ અને અધિકારીઓ અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવી રહયા છે. કોર્પોરેશનની રચનાના પાયામા જે કામગીરી કરવાની હતી તેમા નળ, ગટર અને રસ્તા ઉપરાંત આરોગ્ય વિષયક બાબતો હતી. છેલ્લા દસ વર્ષમાં  મેન્ડેડરી સર્વિસ કરતા વધુ પ્રાધાન્ય જે કોર્પોરેશને કરવી જરુરી ના હોય એવી કામગીરી પણ કોર્પોરેશનના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ કે અધિકારીઓને માથે થોપવામા આવી.પરિણામ એ આવ્યુ કે, પ્રાથમિક સેવાઓને લગતી ફરિયાદ વધતી ગઈ.જયારે બીજી તરફ ખાલી પડેલી વર્ગ-૧થી ૩ની જગ્યા ઉપર પણ કોર્પોરેશન તરફથી અનેક વખત જાહેરાતો આપવા છતાં બીજા કે ત્રીજા પ્રયાસે પણ કોઈ ઉમેદવાર હજુ સુધી મળતા જ નથી.

કોર્પોરેશનનો આખો આરોગ્ય વિભાગ ઈન્ચાર્જના ભરોસે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થથી લઈ કોર્પોરેશનની તમામ હોસ્પિટલ જેવી કે એસ.વી.પી., વી.એસ. ઉપરાંત શારદાબેન અને એલ.જી. તથા નગરી આ તમામ હોસ્પિટલો પણ ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર દ્વારા ઘણાં વર્ષોથી ચાલી રહી છે અને ભાજપના શાસકો યોગ્ય ઉમેદવાર મળતા નથી કહી જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી રહયા છે.

કોર્પોરેશનમાં કયા વર્ગની કેટલી જગ્યા ખાલી

વર્ગ    મંજૂર જગ્યા     ખાલી જગ્યા

૧      ૮૮                     ૩૯

૨      ૬૩૩                   ૨૮૭

૩      ૭૯૦૯                 ૪૧૯૮

દસ વર્ષમાં પગાર -પેન્શન પાછળ ૧૧ હજાર કરોડથી વધુનો ખર્ચ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા દસ વર્ષમાં કર્મચારી અને અધિકારીઆને પગાર ઉપરાંત ૧૭ હજાર જેટલા પેન્શનરોને દર મહિને પેન્શન આપવા પાછળ ૧૧૬૭૪ કરોડ જેટલો ખર્ચ કરાયો હોવાની વિગત તંત્રે વિપક્ષનેતાને લેખિતમાં આપી છે.નોંધપાત્ર બાબત એ છે કે, મોટી રકમના પગાર મળતા હોવા છતાં કોર્પોરેશનના ઘણાં અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે.

પાંચ વર્ષમાં લાંચ લેતા ઝડપાયેલાઓમાં કોણ-કોણ?

નામ            વિભાગ

સંજય પટેલ    પ્રોપર્ટી ટેકસ

હર્ષદ ભોજક    એસ્ટેટ

મનિષ મોઢ     ફાયર

કેતન રામી     ટી.ડી.ઓ.

જિગ્નેશ શાહ    એસ્ટેટ

વિજય મકવાણા સિકયુરીટી ગાર્ડ

વિકી ડામોર    સુપરવાઈઝર

જય પંચોલી    પટાવાળા