ખટનાલ પાસે બાઇક પરથી 3.32 લાખ ભરેલી બેગની લૂંટ કરી શખ્સો ફરાર
- ખંભાતના જીતપુરા રામપુરા રોડ પર
- લૂંટારૂ સાથે ઝપાઝપીમાં બાઇક ચાલકે સંતુલન ગુમાવતા રોડ પર પટકાયા, પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી
ખંભાત તાલુકાના જહાજ ગામે રહેતા જીગ્નેશકુમાર રમણભાઈ પટેલ જહાજ ગામની દૂધ મંડળીમાં માઈક્રો એટીએમ મેનેજર તરીકે ફરજ બજાવે છે. મંડળીમાં દૂધ પડતા સભાસદોને પગાર વિતરણનું કામ તેઓ કરતા હોવાથી ગતરોજ સવારના સુમારે સભાસદોના પગારના વાઉચરો ભરીને મિત્ર દશરથભાઈ પ્રવીણભાઈ પટેલ સાથે બાઈક ઉપર તેઓ ખંભાત ખાતેની કેડીસીસી બેંકમાં આવ્યા હતા જ્યાંથી બેંકમાંથી સભાસદોના પગારના રૂપિયા ૩.૩૬ લાખ ઉપાડી તેમાંથી કુલ ૪૦૦૦ રૂપિયા બે અલગ અલગ વ્યક્તિઓને આપ્યા બાદ બાકીના ૩.૩૨ લાખ એક બેગમાં મૂકી જહાજ ગામે પરત જવા નીકળ્યા હતા. બપોરના લગભગ એક કલાકની આસપાસના સુમારે તેઓ ખટનાલ નજીક જીતપુરાથી રામપુરા તરફના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી બાઈક ઉપર બે અજાણ્યા શખ્સો આવી ચડયા હતા અને જીગ્નેશકુમાર કંઈ વિચારે તે પહેલા પાછળ બેઠેલા દશરથભાઈ પાસેની રોકડ ૩.૩૨ લાખ ભરેલી બેગ ઝુંટવી લીધી હતી અને પલવારમાં લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ ઝપાઝપી દરમિયાન જીગ્નેશકુમારે બાઈકનું સંતુલન ખોરવી દેતા બંને રોડ ઉપર પટકાયા હતા રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવી અજાણ્યા બંને બાઈક સવાર શખ્સો રામપુરા તરફ ભાગી છુટયા હતા બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.દરમિયાન તેઓએ આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી બાઈક ઉપર આવેલ લૂંટારો શખ્સો પૈકી બાઇક ચલાવનાર શખ્સે ચશ્મા પહેર્યા હતા જ્યારે પાછળ બેઠેલા શખ્સે બ્લેક કલરની ટીશર્ટ અને મોઢે બ્લેક રૂમાલ બાંધ્યો હોવાનું દશરથભાઈએ વર્ણન કરતા પોલીસે આ વર્ણનના આધારે બંને શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.