Get The App

મહેમદાવાદ ક્રેડિટ સોસા.ના સભાસદને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
મહેમદાવાદ ક્રેડિટ સોસા.ના સભાસદને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા 1 - image

- મહેમદાવાદની જ્યુડિશિયલ કોર્ટનો ચુકાદો 

- વળતર પેટે રૂ. 1,91,075 સાઈઠ દિવસમાં ચૂકવી આપવાનો હુકમ, ન ચૂકવે તો વધુ 3 માસની કેદ 

નડિયાદ : મહેમદાવાદ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના એક સભાસદે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોનનાં નાણાં ભરપાઈ કરવા આપેલો ચેક રિટર્ન થયો હતો. આ ચેક રિટર્ન થવાના કેસમાં મહેમદાવાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ.૧,૯૧,૦૭૫ સાઈઠ દિવસમાં જમા કરાવવા હુકમ કર્યો છે. તેમજ વળતર ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ માસની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.

મહેમદાવાદ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ મહેમદાવાદ શાખાના સભાસદ અક્ષયભાઈ એમ મહેતા (રહે. આશુતોષ સોસાયટી, મહેમદાવાદ)એ સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન તેઓ સમયસર ભરપાઈ ન કરી શકતા તેઓએ આપેલો ચેક બેંકમાં રજૂ કર્યો હતો. આ ચેક બેંકમાં અપૂરતા નાણાભંડોળના કારણે રિટર્ન થયો હતો. જેથી બેંકના મેનેજર પંકજભાઈ રમણલાલ ડબગરે મહેમદાવાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા મેજિસ્ટ્રેટે રજૂ થયેલા તમામ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઇ આરોપી અક્ષય એમ. મહેતાએ લોન ભરપાઈ કરવા માટેની કોઈ જવાબદારી સ્વીકારી ન હોય મહેમદાવાદના મેજિસ્ટ્રેટે અક્ષયભાઈ મહેતાને એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને વળતર પેટે રૂ.૧,૯૧,૦૭૫ સાઈઠ દિવસમાં ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. આ વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો, વધુ ત્રણ માસની કેદની સજા પણ ભોગવવાનો હુકમ કરાયો છે. ચુકાદાના દિવસે આરોપી કોર્ટમાં હાજર ના રહેતા તેની સામે બિનજામીનલાયક વોરંટ પણ ઇસ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.