Get The App

મહેસાણા જિલ્લાના 7.50 લાખ લોકોને બે દિવસ પાણી નહીં મળે, 134 ગામોને પીવાના પાણીની હાલાકી વેઠવાનો વારો

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
મહેસાણા જિલ્લાના 7.50 લાખ લોકોને બે દિવસ પાણી નહીં મળે, 134 ગામોને પીવાના પાણીની હાલાકી વેઠવાનો વારો 1 - image


Mehsana water supply disruption : મહેસાણા શહેર અને તાલુકાના 111 ગામ તેમજ જોટાણા તાલુકાના 23 ગામો અને ચાણસ્મા તાલુકાના ત્રણ ગામ મળી આશરે 7.50 લાખ લોકોને આગામી 20 અને 21 એમ બે દિવસ પીવાનું પાણી મળશે નહીં. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ બે દિવસ શટડાઉન કરીને દેદિયાસણ મુખ્ય હેડ વર્કસ ખાતેના ભૂગર્ભ સમ્પના સાફ-સફાઈની કામગીરી કરવામાં આવનાર છે. તહેવારોના મહિના એવા ઓગષ્ટ માસમાં લાખો લોકોએ પીવાના પાણીની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

મહેસાણા શહેર અને જિલ્લામાં વસતા લોકોને રાજ્ય સરકારના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. જેમાં મહેસાણા શહેરના દેદિયાસણ મુખ્ય હેડવર્કસ ખાતેના ભૂગર્ભ સમ્પના દેદિયાસણ ફીલ્ટર પ્લાન્ટ મારફતે મહેસાણા શહેર, તાલુકાના 111 ગામ તથા જોટાણા તાલુકાના 23 અને ચાણસ્મા તાલુકાના ત્રણ ગામના અંદાજે 7.45 લાખ લોકોને પીવાનું શુધ્ધ પાણી વિતરણ કરવામાં આવે છે.

દરમિયાનમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કોરા મહેસાણા શહેરના દેદિયાસણ મુખ્ય હેડ વર્કસ ખાતેના ભૂગર્ભ સમ્પની સાફસફાઈની કામગીરી કરવા માટે આગામી તા. 20 અને 21 નારોજ બે દિવસ માટે શટડાઉન નિયત કરવામાં આવ્યું છે. તેના લીધે દેદિયાસણ ફીલ્ટર પ્લાન્ટ ખાતે રો-વોટર મળનાર નથી. તેથી મહેસાણા સંપૂર્ણ શહેરની વર્ષ 2024માં નોંધાયેલી વસતિ કુલ 2,89,945 તથા મહેસાણા તાલુકાના 111 ગામની નોંધણી મુજબની વસતિ 3,84,596 અને જોટાણાના 23 ગામના 57,415 લોકો તેમજ ચાણસ્મા તાલુકાના ત્રણ ગામની નોંધાયેલી વસતિ 15,249 મળી અંદાજે 7.47 લાખ લોકોને આગામી તા.20 અને 21 એમ બે દિવસ પીવાનું પાણી મળશે નહીં. 

આમ, પાણી પુરવઠા બોર્ડ દ્વારા સતત બે દિવસ સુધી પીવાનું પાણી પુરુ પાડવામાં નહીં આવતાં લોકોએ પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. લોકોએ ટેન્કરોના મોંઘાદાટ ખર્ચા વેંઢારીને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ફરજિયાત થઈ છે. મહેસાણા મહાનગરપાલિકાના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ દૌદવાસણ ફીલ્ટર પ્લાન્ટને રો-વોટર નહીં મળવાના લીધે શહેરીજનોને પીવાનું પાણી આપી શકાય તેમ નથી. મહાપાલિકાના બોરના પાણી પણ વિતરણ કરવાની શક્યતા નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


Tags :