AI Image |
Mehsana Crime: મહેસાણાના હનુમંત હેડુવા ગામની સીમમાંથી પસાર થતી રેલ્વે લાઇનના બ્રિજ નીચેથી એક યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મહેસાણા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
નજીકના શોભાસણ ગામનો રહેવાસી હતો મૃતક
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક યુવક નજીકના શોભાસણ ગામનો રહેવાસી હતો. મૃતકની ઓળખ 32 વર્ષીય પંકજ પટેલ તરીકે થઈ છે. લોખંડના રેલ્વે બ્રિજ પરથી યુવકની લાશ લટકતી જોઈને ત્યાંથી પસાર થતા લોકો ચોંકી ગયા હતા અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.
ઘટનાસ્થળેથી મિત્રની કાર પણ મળી
પોલીસને ઘટનાસ્થળ નજીકથી GJ01 KM 3553 નંબરની એક સફેદ કલરની કાર પણ મળી આવી છે. પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, આ કાર મૃતક પંકજના મિત્રની હોવાનું સામે આવ્યું છે. મૃતક પંકજનું અવારનવાર આ જગ્યાએથી પસાર થવું અને રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવવી, તે અનેક સવાલો ઊભા કરે છે.
આ પણ વાંચોઃ 'નલ સે જલ' યોજનામાં પણ કૌભાંડ, 6 જિલ્લામાં ભ્રષ્ટાચારની 18 ફરિયાદથી ખળભળાટ
મહેસાણા પોલીસે હાલમાં મૃતદેહને બ્રિજ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. યુવકે આત્મહત્યા કરી કે પછી તેની સાથે અન્ય કોઈ બનાવ બન્યો છે, તે જાણવા માટે પોલીસ મૃતકનો છેલ્લો ફોન કોલ ડેટા અને કારની માલિકી અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે. જોકે, મૃતકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.


