| AI IMAGE |
Mehsana News : સોમવારે મુખ્યમંત્રી કડી તાલુકાના વેકરા ગામમાં લગ્નપ્રસગે હાજરી આપશે. મુખ્યમંત્રીના આગમનને પગલે સ્થાનિક તંત્ર અત્યારથી કામે લાગ્યું છે. મુખ્યમંત્રીના કાફલા વચ્ચે રખડતાં કૂતરા અને ઢોર આવી ન જાય તે માટે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી અને કડી પાલિકાના ચીફ ઑફિસરને જવાબદારી સોંપાઈ છે.
થોડાક દિવસ પહેલાં જ તલાટીઓને રખડતાં કૂતરા ગણવાની કામગીરી સોંપાઈ હતી જેના પગલે તલાટીઓએ એટલી હદે ભડક્યા હતા કે, વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજવા સુધી સરકારને ચીમકી આપી દીધી હતી. આખરે સરકારને નમતું જોખવું પડ્યું હતું અને પરિપત્ર પાછો ખેંચવો પડ્યો હતો.
આ વિવાદ માંડ શમ્યો છે ત્યાં સોમવારે કડી તાલુકાના વેકરા ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક લગ્ન સમારોહમાં હાજરી આપવાના છે. મુખ્યમંત્રીના આ કાર્યક્રમને પગલે મહેસાલા જિલ્લા તંત્ર ખડેપગે છે. મહેસાણા કલેક્ટરે ટીડીઓ અને કડી પાલિકાના ચીફ ઑફિસરને જાણ કરી છે કે, મુખ્યમંત્રીના કોન્વોયના રૂટ વચ્ચે રખડતાં કૂતરા,પશુઓ આવી ન જાય તેનું ઘ્યાન રાખવાનું છે. આ ઉપરાંત રસ્તામાંથી બમ્પ દૂર કરાવવા અને રોડની બંને બાજુએ બેરિકેટ લગાવવાની કામગીરી સોંપાઈ છે.
લગ્ન પ્રસંગે લાઇટ ન જાય તેનું ખાસ ઘ્યાન રાખવા ઉત્તર ગુજરાત વિજ કંપનીના સુપ્રિ. એન્જિનિયરને તાકીદ કરવામાં આવી છે. લગ્નમાં મહાનુભાવોને પીરસવાની વાનગીઓનું પણ ચેકિંગ કરવા ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગને સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ જ કડીમાં રેલી વખતે આખલો દોડતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને પગે ઈજા પહોંચી હતી.


