Gujarat

મહુવા પંથકમાં મેઘતાંડવ, સાવરકુંડલા હાઈવે બંધ : વાહનો પાણીમાં ગરકાવ

By GS TEAM
17 Jun 20252 mins read
મહુવા પંથકમાં મેઘતાંડવ, સાવરકુંડલા હાઈવે બંધ : વાહનો પાણીમાં ગરકાવ

- માલણ નદીનું પાણી શહેરમાં ઘૂસ્યું, સેવાભાવી ગુ્રપે લોકોની જમવા, રહેવાની વ્યવસ્થા કરી

- બગડ ડેમ નીચે આવતા 12 ગામને એલર્ટ, જનજીવનને વ્યાપક અસર

મહુવા : મહુવા પંથકમાં મેઘતાંડવથી જનજીવનને વ્યાપક પ્રમાણમાં અસર થઈ છે. ભારે વરસાદના પગલે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. રસ્તાઓ પર પાણીનો ભરવો ખતરનાક સ્થરે પહોંચતા સાવરકુંડલા હાઈવે બંધ કરાયો હતો. તો પાર્કિંગમાં પડેલા વાહનો પાણીમાં ગરકાવ થયા હતા.

મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગત મોડી રાતથી જ અનરાધાર વરસાદ શરૂ થયો હતો. દરમિયાનમાં આજે વહેલી સવારથી મેઘરાજાની તોફાની ઈનિંગ શરૂ થતાં સાંજના ૬ વાગ્યા સુધીમાં નવ ઈંચ વરસાદ ખાબકી  ગયો હતો. જેના કારણે મહુવા શહેરના ગાંધીબાગ રોડ, કોલેજ રોડ, જાદરા રોડ, સોની બજાર, જનતા પ્લોટ, વાસીતળાવ, હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. સતત ભારે વરસાદના પગલે માલણ ડેમ ઓવરફ્લો થતાં તેનું પાણી મહુવા શહેરમાં ઘૂસ્યું હતું. લોકોના ઘરોમાં પણ માલણ નદીનું પાણી ધસી જતાં હાલાકીનો સામનો કરવો પડયો હતો. સાવરકુંડલા હાઈવે પર દૂધાળા ગામ પાસે ડાયવર્ઝન જોવાઈ જતાં ભાદર ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે લોકોની ઘરવખરીનો સામાન પાણીમાં વહી ગયો હતો. ડાયવર્ઝન તૂટી જવાના કારણે સાવરકુંડલા હાઈવે બંધ થતાં સાવરકુંડલા, રાજકોટ, જામનગર જતા વાહનોને રાજુલા થઈ પસાર થવું પડયું હતું. રોજકી ડેમ ૮૦ ટકા ભરાઈ જતાં થોરાળા, ગોરસ, સાંગણિયા, લખુપરા, કુંભણ, નાના જાદરા, તાવેડા, કતપર સહિતના ગામો તેમજ બગડ ડેમ નીચે આવતા મહુવા અને તળાજા તાલુકાના ૧૨ ગામને એલર્ટ જાહેર કરાયા હતા.

મહુવા શહેરમાં ધોધમાર વરસાદના પગલે વીજ પુરવઠો ડૂલ થયો હતો. જનતા પ્લોટ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતાં નાસભાગ મચી હતી. કુદરતી આફતમાં પ્રભાવિત થયેલા લોકો માટે ફાતેમા યુવા ગુ્રપ-મહુવા દ્વારા ખાવા-પીવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

જ્યારે કોંજણી ગામથી પસાર રૂપાવો નદી પણ બે કાંઠે વહેતી હતી. જેથી ઉમણિયાવદર, કુંજળી રોડમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. નેશનલ હાઈવે પર પાણી નીકાલની વ્યવસ્થા ન હોવાથી હનુમંત હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાતા વાહન પાર્કિંગ ભરાતા વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતા હોસ્પિટલ સ્ટાફ, દર્દીઓ અને તેમના સબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.