Get The App

મેઘરાજા ફરી ગતિશીલ: સાવરકુંડલા અઢી જૂનાગઢ અને તાલાલામાં ધોધમાર 2 ઈંચ

Updated: Aug 4th, 2022

GS TEAM

Google News
Google News
મેઘરાજા ફરી ગતિશીલ: સાવરકુંડલા અઢી જૂનાગઢ અને તાલાલામાં ધોધમાર 2 ઈંચ 1 - image


કાલથી જુનાગઢ, અમરેલી, સોમનાથ પંથકમાં ભારે વરસાદનું એલર્ટ  જારી : સૌરાષ્ટ્રમાં સાંજે જેતપુરમાં સવા ઈંચ,ખાંભામાં એક ઈંચ,મોભનેસ ડેમ છલકાયો, વિસાવદર, : રાજુલા, જોડિયા, લોધિકા, જસદણ, કોટડાસાંગાણી, હળવદમાં વરસાદ 

 રાજકોટ, : સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ચોમાસુ ફરી ગતિશીલ બન્યું છે. ત્યારે સૌરાષ્ટમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે બપોર પછી બે કલાકમાં 2થી અઢી ઈંચ ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસી ગયો હતો જ્યારે જ્યારે જૂનાગઢ અને તાલાલામાં પણ ધોધમાર બે ઈંચ પાણી વરસી ગયું છે. હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 

સાવરકુંડલામાં સવારથી જ વાદળિયા હવામાન વચ્ચે અસહ્ય બફારા વચ્ચે બપોરે 3 વાગ્યા બાદ ધોધમાર એક ઈંચ વરસાદ વિજળીના કડાકા ભડાકા સાથે વરસી જતા માર્ગો પર પાણી ધસમસતુ વહેતું થયું હતું અને તાલુકાના પીઠવડી, શેલણા,વંડા, ગાધકડા,બાઢડા,ઓળીયા સહિત ગામોમાં વરસાદના વાવડ છે. ખાંભા તથા આસપાસના ગામોની જીવાદોરી સમાન મોભનેસ ડેમ છલકાયો હતો. 1970-71માં આ ડેમ બંધાયેલ હતો. આ ડેમની ઉંચાઈ વધારીને સંગ્રહ વધારાય તથા કેનાલની સુવિધા અપાય તેવી લોકમાંગ છે. 

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સાંજે 4 પછી બે ઈંચ વરસાદથી માર્ગો જળબંબાકાર થયા હતા. એ જ રીતે જૂનાગઢમાં પણ બપોર બાદ માત્ર પાણો કલાકના સમયમાં 53 મી.મી. વરસાદ વરસતા ચારે બાજુ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં.  જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ સવા ઈંચ વરસાદ વરસી ગયો છે. જુનાગઢમાં આજે સાંજે વિસાવદરમાં 13 મિ.મિ.અને માળીયા હાટીનામાં 9 મિ.મિ. વરસાદ વરસી ગયો હતો. સુરેન્દ્રનગરના લખતરમાં દોઢ ઈંચ, ભાવનગરના ગારિયાધરમાં એક ઈંચ વરસાદ, અમરેલીના રાજુલા તાલુકામાં બપોર બાદ પોણો ઈંચ તથા જામનગરના જોડિયામાં 7 મિ.મિ. ઉપરાંત લોધિકા, હળવદ, જસદણ, સહિત ઠેરઠેર વરસાદી ઝાપટાં નોંધાયા હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઠેરઠેર હળવા ભારે વરસાદી ઝાપટાંના અહેવાલો છે અને રાત્રે પણ વરસાદનું જોર જારી રહ્યું હતું. 

મૌસમ વિભાગ દ્વારા તા. 6 અને 7 ના દક્ષિણ ગુજરાતના કાંઠાળ વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, સોમનાથ વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. જ્યારે તા. 8ના આ વિસ્તારોમાં વધુ વરસાદનું ઓરેન્જ એલર્ટ અને રાજકોટ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત સહિત વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે. 

Tags :