સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવતઃ વેરાવળ અને જામજોધપુરમાં 4 ઇંચ વરસાદ
જામનગરમાં સાડા 3 ઇંચ, વિસાવદર અને મેંદરડામાં 3 ઇંચ, માળીયા હાટીના, રાજુલા, તાલાલા અને સુત્રાપાડામાં 2 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં આજે પણ મેઘમહેર યથાવત રહી હતી અને ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જેમાં સૌથી વધુ આજે વેરાવળ અને જામજોધપુરમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. એ જ રીતે જામનગરમાં ધોધમાર સાડા ત્રણ ઇંચ અને વિસાવદર-મેંદરડામાં ત્રણ ઇંચ વરસાદ પડયો હતો.
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સોમવારે પણ સૌરાષ્ટ્ર અને દિક્ષણ ગુજરાતનાં 11 જિલ્લામાં અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં દ્વારકા અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે. આજે વેરાવળ અને જામજોધપુરમાં સાંબેલાધારે વરસાદ વરસી પડયો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા હતા. જ્યારે જામનગરમાં પણ અનરાધાર સાડા ત્રણ બંધ વરસાદથી માર્ગો જળબંબોળ બન્યા હતા. અમુક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. આજે જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ પણ ઓવરફ્લો થઇ ગયો હતો. જોડિયાનાં આમરણ ચોવીસી પંથકમાં પણ આજે ત્રણ ઇંચ તથા જામનગરનાં ફલ્લામાં સવા બે ઇંચ જેવા વરસાદ પડયો હતો.
જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લામાં આજે વરસેલા વરસાદમાં વિસાવદર અને મેંદરડામાં ૩ ઇંચ તથા માળિયા હાટીના, રાજુલા, તાલાલા અને સુત્રાપાડામાં બે ઇંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત ઉપલેટા, માણાવદર, જૂનાગઢ અને ધોરાજીમાં દોઢ ઇંચ તથા કેશોદ, વંથલી, ભાણવડ, લાલપુર, ભેંસાણ, ધારીમાં એક ઇંચ તો કલ્યાણપુર અને જોડીયામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. એ જ રીતે ઉના, પડધરી, માંગરોળ અને ખંભાળિયામાં આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં હળવા-ભારે ઝાપટા સાથે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આજે દિવસ દરમ્યાન રાજકોટ, અમરેલી, કુતિયાણા, જાફરાબાદ, ધ્રોલ, સાવરકુંડલા, ગીરગઢડા, રાણાવાવ, બાબરા, જામકંડોરણા, ટંકારા, પોરબંદર અને દ્વારકામાં માર્ગો ભીના કરતા ઝાપટા વરસ્યા હતા.