Gujarat

મેઘરાજાનું પિતૃતર્પણઃ શનિ અમાસે 225 તાલુકામાં વરસાદ વચ્ચે ભાવિકો ઉમટયાં

By GS TEAM
23 Aug 20251 min read
મેઘરાજાનું પિતૃતર્પણઃ શનિ અમાસે 225 તાલુકામાં વરસાદ વચ્ચે ભાવિકો ઉમટયાં

સોમનાથ મંદિરે 1 લાખ સહિત શ્રાવણમાં 20 લાખથી વધુ ભાવિકો  : શ્રાવણના અંતિમ દિવસે પીપળે પાણી રેડાયું, પૂજા કરાઈઃ  શિવમંદિરો તથા  અમાવસ્યા હોવાથી શનિદેવ-હનુમાનજીના મંદિરોએ પણ ભીડ 

રાજકોટ, : આજે શ્રાવણ માસના અંતિમ દિવસ,અમાસ પર સૌરાષ્ટ્રમાં વરસાદી માહૌલ સાથે અને ગુજરાતમાં રાત્રે 8 સુધીમાં 225 તાલુકામાં ઝાપટાંથી ચાર ઈંચ સુધી વરસાદ વચ્ચે લાખો લોકો શિવમંદિરો અને શનિદેવ-હનુમાનજીના મંદિરોએ તથા ત્રિવેણી સંગમ,પિતૃકાર્ય માટે જાણીતા રફાળેશ્વર,પ્રાચી સહિતના સ્થળે ઉમટી પડયા હતા અને મંદિરોએ લાંબી કતારો જોવા મળી હતી.વરસાદી માહૌલમાં પણ શ્રધ્ધાળુઓએ સેંકડો મંદિરોએ પીપળે પાણી રેડી, પ્રદક્ષિણા કરીને, દાન આપીને પિતૃતર્પણ કર્યું હતું. 

આજે જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સાંજે 7 વાગ્યા સુધીમાં 80000 અને રાત્રિ સુધીમાં 1 લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા હતા. સોમનાથ અને આસપાસના મંદિરોમાં શ્રાવણ માસમાં અંદાજે 20 લાખથી વધુ ભાવિકો દેશ-વિદેશથી આવ્યા હતા.સોમનાથ દાદાને શ્રાવણના અંતિમ દિવસે અન્નકૂટ શ્રૂંગાર કરાયો હતો. શિવોત્સવના સમાપન દિવસે શિવમંદિરોમાં અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવે છે.