ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા : સુઈગામમાં 12 ઈંચ

- ભાદરવો ભરપૂર: હજુ ત્રણ દિવસ વરસાદ માટે એલર્ટ, તંત્ર સાબદું
- નડાબેટ રણમાં પાંચ ફૂટ પાણી ભરાયા : 225 તાલુકામાં વરસાદ 100માં એક ઈંચથી વધુ : ગુજરાતમાં સિઝનનો 103 ટકા વરસાદ પૂરો
અમદાવાદ: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો ક્રમ જારી રહેતા આજે ૨૨૫ તાલુકામાં મેઘમહેર થઇ હતી. આજે બનાસકાંઠાના સુઈગામમાં સૌથી વધુ ૧૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૧૦૨ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ આગામી ૩ દિવસ મધ્યમથી ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે દિવસ દરમિયાન બનાસકાંઠાના સુઈગામમાં સવારે ૬ થી ૮માં ૧ ઈંચ, સવારે ૮થી ૧૦માં ૨. ૧૦ ઈંચ, સવારે ૧૦થી ૧૨માં ૨.૨૫ ઈંચ, બપોરે ૧૨ થી ૨માં ૩.૧૦ ઈંચ, બપોરે ૨ થી ૪માં ૨ ઈંચ જ્યારે સાંજે ૪ થી ૬માં ૧.૫૦ ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ, આજે સમગ્ર દિવસ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સુઇગામના નડાબેટ રણમાં પાંચ ફૂટ જેટલુ પાણી ભરાયું હતું. રણમાં પાણીના મોજા ઉછળતા લોકોને ત્યાં ન જવા પોલીસે અપિલ કરી છે અને નિચાણાવાલા વિસ્તારોમાં પાણી ભરાયા લોકો હાલાકીમાં મૂકાયા હતા. આજે અન્યત્ર બનાસકાંઠાના વાવમાં પાંચ, ભાભરમાં ૪.૭૫, તાપીના વાલોદમાં ૪.૫૦, વલસાડના કપરાડામાં ૪.૨૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે અન્યત્ર જ્યાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં તાપીના વ્યારા, બનાસકાંઠાના થરાદ-દિયોદર, વલસાડ, વલસાડના ધરમપુર-ઉમરગાંવ, પાટણના સાંતલપુર, ગાંધીનગરના દહેગામ, નવસારીના ખેરગામ, તાપીના ડોલવણ, ડાંગના વઘઇ, સુરતના મહુવાનો સમાવેશ થાય છે.
આજે કુલ ૧૦૦ જેટલા તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ બે-ત્રણ દિવસ વરસાદનું જોર રહી શકે છે. જેમાં આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા, કચ્છમાં ઓરેન્જ જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબી દ્વારકામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારમાં ૪૫થી ૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઇ શકે છે.
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરને પગલે મોટાભાગના રીજિયનમાં ૧૦૦ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૦૮ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૦૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૧૦૬ ટકા વરસાદનો સમાવેશ થાય છે.
|
ગુજરાતમાં રીજિયન પ્રમાણે વરસાદની સ્થિતિ |
||
|
રીજિયન |
ઈંચમાં |
સરેરાશ |
|
કચ્છ |
૧૯.૦૦ |
૧૦૦.૦૦% |
|
ઉત્તર |
૩૦.૧૫ |
૧૦૬.૫૦% |
|
પૂર્વ મધ્ય |
૩૦.૦૦ |
૧૦૭.૩૪% |
|
સૌરાષ્ટ્ર |
૨૭.૦૦ |
૯૧.૫૦% |
|
દક્ષિણ |
૬૩.૫૦ |
૧૦૮.૦૦% |
|
કયા
તાલુકામાં સૌથી વધુ વરસાદ? |
||
|
તાલુકો |
જિલ્લો |
ઈંચમાં |
|
સુઇગામ |
બનાસકાંઠા |
૧૨.૦૦ |
|
વાવ |
બનાસકાંઠા |
૫.૦૦ |
|
ભાભર |
બનાસકાંઠા |
૪.૭૫ |
|
વાલોદ |
તાપી |
૪.૫૦ |
|
કપરાડા |
વલસાડ |
૪.૨૫ |
|
વ્યારા |
તાપી |
૪.૧૦ |
|
થરાદ |
બનાસકાંઠા |
૪.૦૦ |
|
વલસાડ |
વલસાડ |
૩.૭૫ |
|
ધરમપુર |
વલસાડ |
૩.૫૦ |
|
સાંતલપુર |
પાટણ |
૩.૫૦ |
|
દહેગામ |
ગાંધીનગર |
૩.૫૦ |
|
ખેરગામ |
નવસારી |
૩.૪૦ |








