Get The App

મેઘાલયના આકાશના આઠ બોલમાં આઠ છગ્ગા, 11 બોલમાં અડધી સદી

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
મેઘાલયના આકાશના આઠ બોલમાં આઠ છગ્ગા, 11 બોલમાં અડધી સદી 1 - image


- પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો વિશ્વવિક્રમ

- ગેરી સોબર્સ અને રવિ શાસ્ત્રીની હરોળમાં આકાશને સ્થાન સુરતમાં મેઘાલય-અરુણાચલની રણજી પ્લેટ ગૂ્રપની મેચમાં રેકોર્ડ

અમદાવાદ: મેઘાલયના જમણેરી બેટ્સમેન આકાશ ચૌધરીએ રણજી ટ્રોફીની પ્લેટ ગૂ્રપની અરુણાચલ સામેની મેચમાં એક ઓવરમાં છ છગ્ગાની સાથે તેણે રમેલા સળંગ આઠ બોલમાં આઠ છગ્ગા ફટકારીને અનોખો કીર્તિમાન રચી દીધો હતો. સુરતમાં ચાલી રહેલી મેચમાં ૨૫ વર્ષના બેટ્સમેને માત્ર ૧૧ બોલમાં અડધી સદી ફટકારવાની સાથે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો વિશ્વવિક્રમ સર્જ્યો હતો. તેણે એક ઓવરમાં છ બોલમાં છ છગ્ગા ફટકારવાની સાથે વિન્ડિઝના લેજન્ડ ગેરી સોબર્સ અને ભારતના દિગ્ગજ રવિ શાસ્ત્રીની બરોબરી પણ કરી લીધી હતી. આ સાથે આકાશ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકારનારો ત્રીજો બેટ્સમેન બન્યો હતો. 

જમણેરી ફાસ્ટ બોલર તરીકેની ઓળખ ધરાવતા આકાશે તેની બેટિંગ પ્રતિભાનો પરચો પણ દેખાડયો હતો. મેઘાલયની ટીમનો સ્કોર ૫૭૬/૬ હતો, ત્યારે આઠમા ક્રમના બેટર તરીકે ક્રિઝ પર આવેલા આકાશે ઈનિંગની શરૂઆત એક ડોટ બોલ અને બે સિંગલથી કરી હતી. જે પછી તેણે અરૂણાચલના લેફ્ટ આર્મ સ્પિનર લિમાર ડાબીએ નાંખેલી ઈનિંગની ૧૨૬મી ઓવરમાં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. નોંધપાત્ર છે કે, સોબર્સ અને શાસ્ત્રી ઉપરાંત માઈક પ્રોક્ટરે પણ છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા, પણ તેમણે આ રેકોર્ડ બે ઓવર દરમિયાન નોંધાવ્યો હતો. 

આકાશ ત્યાર બાદની ઓવરમાં સ્ટ્રાઈક પર આવ્યો ત્યારે બોલર તરીકે ઓફ સ્પિનર ટીએનઆર મોહિથ હતો. આકાશે ત્યારે પણ તેણે રમેલા પહેલા બે બોલ પર બે છગ્ગા ફટકાર્યા હતા અને માત્ર ૧૧ બોલમાં અડધી સદી પૂરી કરી હતી. અગાઉ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો વર્લ્ડ રેકોર્ડ લેસ્ટરશાયરના વેન વ્હાઈટના નામે હતો, જેણે ૨૦૧૨માં ઈસેક્સ સામે ૧૨ બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તેણે માત્ર નવ જ મિનિટમાં અડધી સદી પૂરી કરી હતી અને ઉપલબ્ધ રેકોર્ડ અનુસાર સૌથી ઓછા સમયમાં અડધી સદી ફટકારવામાં બીજો ક્રમ હાંસલ કર્યો હતો. આ અંગેનો વર્લ્ડ રેકોર્ડ ક્લાઈવ ઈનમેનના નામે છે, જેમણે ૧૯૬૫માં લેસ્ટરશાયર તરફથી નોટિંગહામશાયર સામે ૧૩ બોલમાં અડધી સદી ફટકારી ત્યારે તેમણે માત્ર આઠ જ મિનિટનો સમય લીધો હતો. 

મેઘાયલે ૬૨૮/૬ના સ્કોર પ્રથમ ઈનિંગ ડિકલેર કરી, ત્યારે આકાશ ૧૪ બોલમાં ૮ છગ્ગા સાથે ૫૦ રને અણનમ હતો. અગાઉ વિકેટકિપર અર્પિત ભાટેવારાએ ૨૦૭, રાહુલ દલાલે ૧૪૪, કિશન લિંગદોહે ૧૧૯ રન કર્યા હતા. અરૂણાચલ ૨૭.૪ ઓવરમાં ૭૩માં સમેટાતા ફોલોઓન થયું હતુ અને બીજા દિવસના અંતે બીજી ઈનિંગમાં તેઓ ૨૯/૩ પર ફસડાયા હતા. 

Tags :