જામનગરના શાપરમાં 100 વિઘા સરકારી જમીન ખુલ્લી કરાવવા મેગા ડિમોલિશન
7 JCB, 10 ટ્રેક્ટરની મદદથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી : 50 જેટલાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કાર્યવાહીઃ મિગ કોલોની વિસ્તારમાં રોડની કામગીરીને લીધે મંદિરનું સ્થળાંતર કરી જૂનું મંદિર તોડી પડાયું
જામનગર, : જામનગર નજીક શાપર વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને અંદાજે 100 વીઘા જેટલી અતિ કિમતી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે.
કરોડો રૂપિયાની કીમતી ગણાતી આ જમીન પર અનેક આસામીઓ દ્વારા દબાણ કરી દેવાયા હતા, જેને તંત્ર દ્વારા આખરી નોટિસ આપી દેવાયા બાદ આજે મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના માટે 7 JCB મશીનો, 10 ટ્રેક્ટર અને 100 જેટલા પોલીસ અને સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેની રાહબરી હેઠળ આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. કુલ મળીને સરકારી ખરાબામાં 20 જેટલા ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવાયા હતા, જ્યારે ગૌચરની જમીનમાં ૩૦ જેટલા બાંધકામો ઉભા થઈ ગયા હતા, જે તમામ દબાણોને દૂર કરી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થાનિક વહીવટી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, પીજીવીસીએલ ની ટીમ વગેરે સાથે રહ્યા છે.
જામનગરમાં ગવર્મેન્ટ કોલોની ની પાછળ મિગકોલોની પાસેના વિસ્તારના જંગલેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે, ત્યાંથી મહાનગરપાલિકા દ્વારા આરટીઓની જૂની કચેરી થી મિગ કોલોની સુધીના માર્ગે નવો રોડ બનાવવામાં આવી રહ્યો હોવાથી તે મંદિરનું સ્થળાંતર કરાયું છે. મંદિરના ટ્રસ્ટીઓ વગેરેએ રોડની સાઈડમાં બાજુની જગ્યામાં જ નવું મંદિર તૈયાર કરી લીધું છે, અને તે સ્થળે શિવલિંગ તથા અન્ય મૂર્તિ વગેરેની પ્રાણ પ્રતિા કરી લેવાઇ હતી. ત્યારબાદ શ્રાવણ માસના પ્રથમ દિવસે જ નવા મંદિરમાં સેવા પૂજા ચાલુ કરી દીધી છે, જ્યારે જુના મંદિર વાળો હિસ્સો કે ત્યાં ડિમોલેશન કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું હતું, અને જૂના મંદિરના બાંધકામ વાળા હિસ્સાને દૂર કરીને રસ્તો કાઢવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.