જામનગર નજીક શાપર વિસ્તારમાં આવેલી 100 વીઘા જેટલી સરકારી ગૌચરની જગ્યા ખુલ્લી કરાવવા માટે તંત્રનું મેગા ડીમોલેશન
Jamnagar Demolition : જામનગર નજીક શાપર વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને અંદાજે 100 વીઘા જેટલી અતિ કિંમતી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે, જેને લઈને ભારે દોડધામ મચી ગઈ છે.
કરોડો રૂપિયાની કીમતી ગણાતી આ જમીન પર અનેક આસામીઓ દ્વારા દબાણ કરી દેવાયા હતા, જેને તંત્ર દ્વારા આખરી નોટિસ આપી દેવાયા બાદ આજે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના માટે 7 જીસીબી મશીનો, 10 ટ્રેક્ટર અને 100 જેટલા પોલીસ અને સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેની રાહબરી હેઠળ આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
કુલ મળીને સરકારી ખરાબામાં 20 જેટલા ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવાયા હતા, જ્યારે ગૌચરની જમીનમાં 30 જેટલા બાંધકામો ઉભા થઈ ગયા હતા, જે તમામ દબાણોને દૂર કરી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થાનિક વહીવટી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, પીજીવીસીએલની ટીમ વગેરે સાથે રહ્યા છે.