Vadodara Corporation : વડોદરા શહેરના વારસિયા વિસ્તારની જૂની આરટીઓ ઓફિસ અને મગર સ્વામી આશ્રમ પાસે પાંચેક દાયકાથી ગેરકાયદે કાચા પાકા મકાનો તોડવા બાબતે સ્થાનિકોએ ઠેક ઠેકાણે કરેલી રજૂઆતો બાદ મળેલી નિષ્ફળતાથી સજાગ પાલિકા તંત્રની દબાણ શાખા એક્શનમાં આવી હતી. આ 30 જેટલા મકાનો તોડવાની કાર્યવાહી તંત્રએ પોલીસ તંત્ર અને એસઆરપીના કડક જાપ્તા હેઠળ વીજ તંત્રની ટીમ સહિત એમ્બ્યુલન્સ વાન તૈનાત કરી તંત્રના અધિકારીઓએ વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરી દીધી હતી શરૂ કરી દીધી હતી. જોકે સ્થાનિકોએ ભારે કાકલુદી કરવા સહિત નાના બાળકોએ ભારે રોકકળ મચાવતા કરુણા સભર દ્રશ્યો સર્જાયા હતા. આમ છતાં પણ દબાણ શાખાએ કાર્યવાહી આદરીને તમામ 30 જેટલા કાચા પાકા મકાનો પર બુલડોઝરો ફેરવવાનું શરૂ કરી દીધું હતું. ઘટના સ્થળે તમાશો જોવા એકત્ર થયેલા વિશાળ ટોળાને ફરજ પરના પોલીસ કાફલા અને એસઆરપી જવાનોએ સમજાવટથી હટાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરના વારસિયા વિસ્તારની જુની આરટીઓ કચેરી પાછળ અને મગર સ્વામી આશ્રમ પાસેના મદાર મહોલ્લામાં છેલ્લા પચાસેક વર્ષથી કેટલાક પરિવારો ગેરકાયદે કાચા પાકા મકાનો બનાવીને રહેતા હતા. જોકે યેનકેન મેળવેલા લાઈટ કનેક્શનમાં સહારે આ પરિવારો પાલિકા તંત્રને વેરો પણ ભરતા હોવાનું કહેવાય છે. આ તમામ પરિવારોને કલેકટરના સીટી સર્વે તંત્ર દ્વારા અગાઉ મકાનો ખાલી કરી નાખવા બાબતે સ્થાનિક રહીશોને નોટિસો પણ ફટકારવામાં આવી હતી. તેમ છતાં પણ તમામ પરિવારોએ આંખ આડા કાન કરીને આવી નોટિસને ગણકારી ન હતી. ઉપરાંત સ્થાનિકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી હતી કે અમે 50 જેટલા વર્ષથી આ જગ્યાએ રહેતા આવ્યા છીએ. અમારા કથિત રહેઠાણો તોડી નંખાયા બાદ ક્યાં જઈશું? તેવી રજૂઆત કરીને વધુમાં જણાવ્યું હતું કે આ જગ્યાએથી કોઈ રોડ રસ્તો પણ પસાર થવાનો નથી કે પછી મકાનો કોઈને નડતરરૂપ પણ નથી મકાનો તોડાયા બાદ પણ જગ્યા કોઈ ઉપયોગ થઈ શકે તેવી નથી. તમામ પરિવારો વેરો લાઈટ બિલ પણ ભરી રહ્યા છે. આગામી દિવસોમાં બાળકોની પરીક્ષાઓ આવી રહી છે ઉપરાંત કેટલાક પરિવારોમાં બીમારીના ખાટલા પણ છે ત્યારે આ મકાનો તોડાયા અગાઉ અમને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે અથવા તો આ જગ્યાનું જે પ્રીમિયમ નક્કી કરવામાં આવે તે ભરીને કાયદેસરના માલિકી હક લેવા પણ તૈયાર હોવાનું જણાવ્યા છતાં પણ તંત્ર દ્વારા કોઇ સાનુકૂળ પ્રતિભાવ મળ્યો ન હતો.
જ્યારે બીજી બાજુ આજે વહેલી સવારથી જ સ્થાનિક પોલીસ તંત્રનો કાફલો તથા એસઆરપીના જવાનોની જમાવટ તથા ફાયર બ્રિગેડ તંત્ર, એમ્બ્યુલન્સ તથા વીજ નિગમની ટીમ કંઈ તૈનાત થતા જ દબાણ શાખાના પાંચ જેટલા બુલડોઝરો સાથે સ્ટાફ એક્શનમાં આવ્યો હતો. જ્યારે કાચા પાકા મકાનો તોડાયા બાદ ત્રણથી ચાર જેટલા ડમ્પરોથી કાટમાળ ભરવાનો તત્કાળ શરૂ કરી દીધો હતો. જોકે દબાણ શાખાએ શરૂ કરેલી કામગીરી વખતે સ્થાનિક રહીશોએ ફરી એક વખત તૈનાત પાલિકા અધિકારીઓ સમક્ષ ભારે આ શું ભરી આંખે કાકલૂદી કરવી શરૂ કરી હતી. જ્યારે નાના બાળકોએ તંત્રની કાર્યવાહી દરમિયાન ભારે રોકકળ કરી મુકતા વાતાવરણ ગમગીન બન્યું હતું.
જોકે પાલિકા તંત્રએ કામગીરીમાં કોઈ અંતરાય ઉભો ન થાય એ અંગે ખાસ કાળજી લીધી હતી. પરિણામે સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી હતી. પરિણામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ અંગે ડ્રોન કેમેરાથી પણ ખાસ કાળજી લેવામાં આવી હતી. ઘટના સ્થળે તમાશો જોવા મોટું લોકટોળું એકત્ર થયું હતું. પરંતુ ફરજ પરના એસઆરપી જવાનો અને પોલીસ સ્ટાફે મળીને સમજાવટથી મામલો થાળે પાડીને ટોળાને ઘટના સ્થળેથી દૂર ખસેડ્યા હતા.
દબાણની કાર્યવાહી વખતે અપ્રિય ઘટના રોકવા ડ્રોન કેમેરાથી નજર રખાઇ
વારસિયા જુની આરટીઓ પાસેના મગર સ્વામી આશ્રમ પાસે ગેરકાયદે બનેલા 30 જેટલા કાચા પાકા ઝૂપડા પર બુલડોઝર ફરતી વખતે કોઈ અનિચ્છનીય કે પથ્થરમારા જેવી દુર્ઘટના ન સર્જાયએ અંગે પોલીસ તંત્ર દ્વારા આગોતરું આયોજન કરાયું હતું. જેમાં ઘટના સ્થળની આસપાસ ડ્રોન કેમેરાથી ખાસ નીગરાની રખાઈ હતી. પરિણામે કોઈ અપ્રિય ઘટના સર્જાય તો તાત્કાલિક પણે ડ્રોન કેમેરા દ્વારા આવા અસામાજિક તત્વોની તરત ઓળખ થતા આગળની કાર્યવાહી સરળ રહે.


